યુગાન્ડા-ટાન્ઝાનિયા પાઈપલાઈન સામેનો કાનૂની દાવો ફ્રાન્સની કોર્ટે ફગાવ્યો

ફ્રાન્સ અને યુગાન્ડાની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ફ્રાન્સની એનર્જી જાયન્ટ ટોટલએનર્જીસ કંપની વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો

Tuesday 07th March 2023 13:44 EST
 
 

પેરિસ/કમ્પાલાઃ યુગાન્ડાના વિશાળ તેલક્ષેત્ર અને ટાન્ઝાનિયા વચ્ચે 1443 કિલોમીટર (900 માઈલ) લંબાઈની પાઈપલાઈન નાખવાના ઈસ્ટ આફ્રિકન ક્રુડ ઓઈલ પાઈપલાઈન (EACOP) પ્રોજેક્ટથી પર્યાવરણ અને માનવાધિકારોને ભારે નુકસાન થશે તેવી દલીલ સાથે ફ્રાન્સની એનર્જી જાયન્ટ ટોટલએનર્જીસ કંપનીના ઈસ્ટ આફ્રિકા ઓઈલ પ્રોજેક્ટ સસ્પેન્ડ કરવાનો કાનૂની કેસ ફ્રાન્સની પેરિસ સિવિલ કોર્ટે મંગળવાર 28 ફેબ્રુઆરીએ ફગાવી દીધો હતો. અરજદારો આ ચુકાદા સામે અપીલ કરી શકશે. ટોટલએનર્જીસ કંપનીએ ચુકાદાને આવકાર્યો હતો.

બે ફ્રેન્ચ NGO ફ્રેન્ડ્સ ઓફ અર્થ અને સર્વાઈવલ ઉપરાંત, ચાર યુગાન્ડન સહિત 6 સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) દ્વારા દલીલ કરાઈ હતી કે આ વિવાદાસ્પદ પ્રોજેક્ટમાં કંપની 2017ના ડ્યૂટી ઓફ વિજિલન્સ કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ છે જેના હેઠળ કંપનીઓને માનવ અધિકારો, આરોગ્ય, સલામતી અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી અટકાવાય છે. ફ્રાન્સમાં આ પ્રકારનો પ્રથમ કેસ હતો અને તેનાથી પર્યાવરણ અને માનવ અધિકારોને નુકસાનકારી જણાતા પ્રોજેક્ટ્સ અટકાવી દેવાનું કાનૂની ઉદાહરણ સ્થપાવાની આશા હતી.

કોર્ટે ચુકાદો આપ્યો હતો કે આ કેસ દાખલ થવાને પાત્ર નથી કારણકે વાદી પક્ષોએ ફ્રેન્ચ એનર્જી જાયન્ટ ટોટલએનર્જીસ કંપની વિરુદ્ધ યોગ્ય કોર્ટ પ્રક્રિયાઓ અનુસરી નથી. કેસ શરૂ કરાયો ત્યારે 2019માં ટોટલએનર્જીસ કંપનીને અપાયેલી નોટિસમાં કરાયેલી રજૂઆતોથી કોર્ટમાં રજૂ કરાયેલી હકીકતોમાં નોંધપાત્ર તફાવત છે. આ દાવામાં ટોટલએનર્જીસ કંપનીએ પૂરા વળતર વિના 100,000થી વધુ લોકો પાસેથી જમીનો પડાવી લેવાઈ હોવાનો દાવો કરાયો હતો. કંપનીએ લેક આલ્બર્ટના તટે બાયોડાઈવર્સિટી સમૃદ્ધ મર્ચિસન ફોલ્સ નેશનલ પાર્કમાં કૂવાઓનું ડ્રીલિંગ કર્યું હતું. ફ્રેન્ડ્સ ઓફ અર્થના કેમ્પેઈનર જુલિયેટ રેનોડે જણાવ્યું હતું કે તેઓ આગામી પગલાં વિશે અસરગ્રસ્ત કોમ્યુનિટીઓ સાથે વાત કરશે અને આ ચુકાદા સામે અપીલ કરશે.

ટોટલએનર્જીસ, ચાઈના નેશનલ ઓફશોર ઓઈલ કોર્પોરેશન (CNOOC) તેમજ સરકારી માલિકીની યુગાન્ડા નેશનલ ઓઈલ કંપની દ્વારા સંયુક્તપણે વિકસાવાતા 10 બિલિયન ડોલરના ઓઈલફિલ્ડ્સ અને પાઈપલાઈન પ્રોજેક્ટથી ઘણા લોકો ગરીબીમાં જીવ છે તેવા યુગાન્ડા અને ટાન્ઝાનિયામાં આર્થિક તેજી આવશે તેમ પ્રોજેક્ટના સમર્થકો કહી રહ્યા છે. જોકે, પર્યાવરણવાદીઓ તેનો તીવ્ર વિરોધ કરી રહ્યા છે. યુગાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) વચ્ચે કુદરતી સરહદ સમાન લેક આલ્બર્ટ વિસ્તારના પેટાળમાં 6.5 બિલિયન બેરલ્સ ક્રુડનો જથ્થો હોવાનું મનાય છે જેમાંથી હાલ આશરે 1.4 બિલિયન બેરલ્સ ક્રુડ કાઢી શકાશે તેમ કહેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter