કમ્પાલાઃ કોવિડ-૧૯ નેશનલ ટાસ્કફોર્સે એન્ટેબી એરપોર્ટ, બોર્ડર્સ, ધાર્મિક સ્થળો અને મેડિકલના ફાઈનલ યરના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓ ફરી શરુ કરવાની ભલામણ કરી હતી. પ્રમુખ મુસેવેનીને મોકલાયેલી ભલામણોમાં ટાસ્કફોર્સે સ્કૂલો, બાર અને પબ્લિક જીમ બંધ રાખવા જણાવ્યું હતું. ટાસ્કફોર્સ દ્વારા સૂચવાયું હતું કે સ્કૂલો ફરી શરુ કરવાની શક્યતાનો એજ્યુકેશન અને હેલ્થ મિનિસ્ટ્રી અભ્યાસ કરશે.
પ્રાર્થના સ્થળો વિશે ટાસ્કફોર્સ દ્વારા જણાવાયું હતું કે પ્રાર્થના સ્થળો ફરી ખોલવા જોઈએ પરંતુ, તેમાં લોકોની સંખ્યા ૭૦થી વધુ ન હોવી જોઈએ. આ જ ભલામણમાં ટીમે કમ્પાલા સિટીમાં લોકડાઉનની વિચારણા પડતી મૂકી હતી. ૩૧ ઓગસ્ટે મળેલી બેઠકમાં હાજર રહેલા સૂત્રો મુજબ આ દરખાસ્તો પ્રમુખ મુસેવેનીની આખરી વિચારણા અને મંજૂરી માટે મોકલી અપાઈ હતી.
આ અગાઉ યુગાન્ડામાં કેન્ડીડેટ ક્લાસીસ સાથે સ્કૂલો તબક્કાવાર ફરી શરૂ કરવાના મુદ્દે ચર્ચા વિચારણા કરવા પ્રમુખ મુસેવેનીએ કોવિડ-૧૯ નેશનલ ટાસ્કફોર્સને આદેશ આપ્યો હોવાનું ICT મિનિસ્ટર મિસ જુડીથ નાબાકુબાએ ટ્વિટર દ્વારા જણાવ્યું હતું. આ ઉપરાંત, એન્ટેબી ઈન્ટરનેશનલ એરપોર્ટ, ધાર્મિક સ્થળો, બાર, સિનેમા, નાઈટક્લબ, વીક્લી માર્કેટ્સ, ટુરિઝમ જેવા જે ક્ષેત્રો બંધ રહ્યા છે તેને ફરી ખુલ્લા કરવાની વિચારણા માટે પણ તેમણે ટાસ્કફોર્સને સૂચના આપી હતી.
મિસ નાબાકુબાએ જણાવ્યું કે ટાસ્કફોર્સનો વિસ્તૃત અહેવાલ મળ્યા પછી પ્રમુખ મુસેવેની આગામી પગલાં વિશે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા ઓગસ્ટની શરુઆતમાં જણાવાયું હતું કે સ્કૂલો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા Shs ૯૭.૬ બિલિયનની જરૂર પડશે. ગયા જૂન અને જુલાઈમાં પ્રમુખ મુસેવેનીએ કોરોના વાઈરસને લીધે માર્ચમાં બંધ કરાયેલા પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિત મોટાભાગના બિઝનેસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, શૈક્ષણિક સંસ્થાઓ, ટુરિઝમ અને એરપોર્ટ સહિતના કેટલાંક ક્ષેત્ર બીજી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રખાયા હતા. જુલાઈમાં તેમણે જણાવ્યું હતું કે સ્કૂલો અને બંધ રહેલા અન્ય બિઝનેસ ફરી શરૂ કરવા માટે તેઓ સપ્ટેમ્બરમાં તેમનો આખરી નિર્ણય જણાવશે.