કમ્પાલાઃ યુગાન્ડાએ વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૮ વચ્ચે ૧.૩ મિલિયન રેડિયો આયાત કર્યા હતા. યુગાન્ડા રેવન્યુ ઓથોરિટીની વિગતો મુજબ દેશ દ્વારા દર વર્ષે સરેરાશ ૨૬૮,૧૮૭ રેડિયો આયાત કરાઈ હતી. તેવી જ રીતે ૨૦૧૪થી ૨૦૧૮ના પાંચ વર્ષમાં ૯૯૮,૦૧૩ ટેલિવિઝન સેટ આયાત કરાયા હતા. કેથોડ રે ટેલિવિઝન (CRT)નો વપરાશ ઘટી રહ્યો છે અને લોકો ફ્લેટ ટીવી તરીકે જાણીતા એલસીડી અને એલઈડી ટીવી પસંદ કરે છે.
આ સમયગાળામાં ૬૯૧,૫૪૫ એલસીડી અને એલઈડી સામે માત્ર ૩૦૬,૪૬૮ સીઆરટી આયાત કરાયા હતા. થોડાં વર્ષોમાં કમ્પ્યુટર્સ અને લેપટોપની આયાતમાં પણ વધારો થયો હતો. ૨૦૧૪માં ૧૨૨,૭૬૮ અને ૨૦૧૫માં ૨૭૦,૬૫૬ રેડિયોની આયાત થઈ હતી. ૨૦૧૬માં સંખ્યા વધીને ૨૮૮,૩૪૩ અને ૨૦૧૭માં ૩૧૩,૩૬૨ થઈ હતી. ૨૦૧૮માં લગભગ ૩૪૫,૮૦૮ રેડિયોની આયાત થઈ હતી. યુગાન્ડા કોમ્યુનિકેશન્સ કમિશનના ICT ડ્રાફ્ટ રિપોર્ટ મુજબ આયાતમાં સ્થિર પણ નિરાશાજનક વધારો થઈ રહ્યો છે.
અહેવાલ મુજબ આયાત કરાયેલા રેડિયોમાં મોટાભાગે પોર્ટેબલ રેડિયો હતા જે મહદઅંશે ગ્રામીણ વિસ્તારોમાં વપરાય છે. ઘણાં વિસ્તારો એવા છે જ્યાં વીજળીની સુવિધા નથી. જોકે, થોડા મહિનામાં સરકાર દરેક ઘરોમાં હોમ સ્કૂલિંગની સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે માટે ૧૦ મિલિયન રેડિયો સેટ્સ અને ૧૩૭,૪૬૬ સોલાર પાવર સંચાલિત ટેલિવિઝન સેટ્સ મેળવશે. જોકે, રેડિયો અને ટીવીનું ઉત્પાદન યુગાન્ડામાં જ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સને સૂચના આપી હતી.
હાલ ટિન્ડામાં આવેલી સાચી અને કમ્પાલાના બુલોગોલોબીનું ઝાંગ ગ્રૂપ એમ માત્ર બે વિદેશી માલિકીની કંપની જ રેડિયો અને ટીવીના એસેમ્બલિંગનું કામ કરે છે.