કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીના 48 વર્ષીય પુત્ર આર્મી જનરલ મુહૂઝી કેઈનેરુગાબાએ કહ્યું છે કે તેઓ સામ્રાજ્યવાદી ધમકીના કેસમાં મોસ્કોના રક્ષણ માટે યુગાન્ડાના લશ્કરી દળો રવાના કરશે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના કટ્ટર સમર્થક લેફ.જનરલ કેઈનેરુગાબાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે ‘તમે ઈચ્છો તો મને પુતિનવાદી કહી શકો છો, જો મોસ્કો સામે ‘સામ્રાજ્યવાદી ધમકી ઉભી થશે તો અને મોસ્કોના રક્ષણ માટે યુગાન્ડાના સૈનિકો મોકલીશું. પશ્ચિમ અર્થહીન યુક્રેનતરફી પ્રોપેગન્ડા સાથે તેનો સમય બરબાદ કરી રહ્યું છે.’
મુહૂઝી કેઈનેરુગાબાએ તેની ‘MK’ બ્રાન્ડ સાથે ટેલિવિઝન અને રેડિયો ચેનલનો આરંભ કર્યો છે. વિવાદી નિવેદનો માટે જાણીતા લેફ.જનરલ કેઈનેરુગાબાએ 2026ની પ્રમુખપદની ચૂંટણી માટે પોતાના ઉમેદવારી પણ જાહેર કરી છે. અગાઉ ઓક્ટોબર 2022માં તેણે કેન્યા પર આક્રમણ કરવાની ધમકી પણ આપી હતી. જે બાબતે માફી માગતા પ્રમુખ મુસેવેનીએ કહ્યું હતું કે તેમનો એકમાત્ર પુત્ર હવે દેશની બાબતો વિશે કોઈ ટ્વીટ્સ કરશે નહિ. જોકે, આ વાત સાચી પડી નથી. રાજકીય નીરિક્ષકો કેઈનેરુગાબાને છેક1986થી સત્તા પર રહેલા 78 વર્ષીય પ્રમુખ મુસેવેનીના સંભવિત અનુગામી તરીકે નિહાળે છે.
ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયન આક્રમણની પ્રથમ વર્ષગાંઠે મોસ્કોને તેના દળા ખસેડી લેવાની હાકલ સહિત યુક્રેન સંઘર્ષ મુદ્દે યુએનના તમામ મતદાનોમાં યુગાન્ડા ગેરહાજર રહ્યું છે. ગત જુલાઈમાં રશિયન ફોરેન મિનિસ્ટર સર્ગેઈ લાવરોવે યુગાન્ડાની મુલાકાત લીધી ત્યારે કેઈનેરુગાબાએ કહ્યું હતું કે, ‘જેણે અમને કદી નુકસાન પહોંચાડ્યું નથી તેના વિરુદ્ધ અમે કઈ રીતે જઈ શકીએ?’ આફ્રિકાના દેશો સંસ્થાનવાદી સત્તાઓ સામે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે તેમની આઝાદી માટે ટેકો આપનારું રશિયા આફ્રિકન દેશો સાથે પરંપરાગત મજબૂત સંબંધ ધરાવે છે.
પ્રમુખ મુસેવેનીના મોટા પુત્ર લેફ.જનરલ કેઈનેરુગાબાએ યુગાન્ડા આર્મીમાં લગભગ ત્રણ દાયકાની સેવા આપ્યા પછી આ વર્ષે જ આર્મી (UPDF)માંથી નિવૃત્ત થવાની જાહેરાત પણ કરી છે. તેઓ ગયા વર્ષે ભૂમિદળોના કમાન્ડર હતા ત્યારે પણ તેમણે ટ્વી્ટર પર આવી જ જાહેરાત કરી હતી. જોકે, આર્મીએ સ્પષ્ટ કર્યું હતું કે તેને કેઈનેરુગાબા પાસેથી નિવૃત્તિની સત્તાવાર વિનંતી મળી નથી. હકીકત એ છે કે યુગાન્ડાના કાયદા હેઠળ સેવારત સૈનિકોને રાજકારણમાં ભાગ લેવાની છૂટ મળતી નથી.