કમ્પાલાઃ યુગાન્ડામાં ફાટી નીકળેલા ઈબોલા રોગચાળામાં મૃત્યુઆંક વધ્યાની જાહેરાત વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરી છે. WHO ના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધનોમ ગેબ્રીઅસે જણાવ્યા મુજબ અત્યાર સુધી 63 કેસીસમાંથી 29ના મોતને સમર્થન અપાયું છે. અન્ય અહેવાલ મુજબ 40 લોકોએ જાન ગુમાવ્યા છે. 10 હેલ્થ વર્કર્સને ઈબોલાથી સંક્રમણ થયું હતું અને ચારનું મોત નીપજ્યું છે. ચાર વ્યક્તિ સાજા થયા પછી સારસંભાળ હેઠળ મૂકાયા છે. સેન્ટ્રલ યુગાન્ડાના મુબેન્ડે ડિસ્ટ્રિક્ટમાં ઈબોલાનો કેસ દેખાયા પછી સરકારે 20 સપ્ટેમ્બરે રોગ ફાટી નીકળ્યાની જાહેરાત કરી હતી.
દરમિયાન, યુરોપિયન યુનિયને ઈબોલા રોગચાળા સામે લડવા માટે યુગાન્ડા રેડ ક્રોસને 200,000 યુરોની મદદ જાહેર કરી છે. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રેસ અને રેડ ક્રિસન્ટ સોસાયટીઝ (IFRC)ની તત્કાળ મદદની અપીલના પગલે ઈયુ દ્વારા મદદ જાહેર કરાઈ છે.
મુબેન્ડે ડિસ્ટ્રિક્ટમાં 24 વર્ષીય યુવાનને સુદાનથી આવેલા દુર્લભ સ્ટ્રેઈનનો ચેપ લાગ્યો હતો. આ સ્ટ્રેઈન ઓછો ચેપી હોવાની સાથે તેનાથી મૃત્યુદર પણ ઓછો (40થી 100ટકા) છે જ્યારે ઝેઈર સ્ટ્રેઈનથી મૃત્યુદર વધુ (70થી 100ટકા) છે. જો, સુદાન સ્ટ્રેઈનવિરોધી કોઈ રસી હાલ ઉપલબ્ધ નથી. ઈબોલા વાઈરસના સંભવિત સંક્રમણના જોખમ સામે કેન્યા, ટાન્ઝાનિયા, રવાન્ડા અને સોમાલિયા જેવા દેશોમાં પણ એલર્ટ જાહેર કરી દેવાયો છે.