યુગાન્ડાએ હજારો કોંગો નિર્વાસિતોને આશ્રય આપવા સરહદો ખોલી નાખી

Wednesday 08th July 2020 02:44 EDT
 
યુગાન્ડાના ઝોમ્બો સરહદ નજીક ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાંથી આવેલા શરણાર્થીઓની આરોગ્ય તપાસ.
 

કમ્પાલાઃ યુગાન્ડાએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના હજારો શરણાર્થીઓને આશ્રય આપવા સરહદો ખોલી નાખી હતી. કોંગોમાં વધતી જતી લશ્કરી હિંસાના કારણે હજારો નાગરિકો દેશ છોડી રહ્યા છે અને ગત મે મહિનાથી તેઓ અંતરિયાળ માહાગી વિસ્તારમાં રઝળી રહ્યા હતા. કોરોના વાઈરસ મહામારી છતાં, યુગાન્ડા સરકારે રઝળતા શરણાર્થીઓની વહારે જવાનો નિર્ણય લીધો હતો. આ મુજબ ઝોમ્બો ડિસ્ટ્રિક્ટમાં ગુલાડ્જો અને માઉન્ટ ઝેઉ ક્રોસિંગ પોઈન્ટ્સ પરથી ૧૫૦૦ જેટલા એસાઈલમ સીકર્સ યુગાન્ડામાં પ્રવેશ્યા છે.

યુગાન્ડા સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સંક્રમણને અટકાવવા માર્ચ મહિનાથી સરહદ પર પ્રવાસ પર નિયંત્રણો લાદ્યાં હતાં જેના પરિણામે, દેશમાં નવા શરણાર્થીઓનો પ્રવાહ અટકી ગયો હતો. યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ માનવતાની ભૂમિકાએ નિર્વાસિતોને બચાવવા ઝોમ્બો સરહદ કામચલાઉ ખોલવા આદેશ આપ્યો હતો. સરકારે માનવતાવાદી કાર્યવાહી સંપૂર્ણ થયા પછી શુક્રવાર, ૩ જુલાઈથી ફરી સરહદને બંધ કરી હતી. યુગાન્ડામાં કોવિડ-૧૯ના લગભગ ૯૨૫થી વધુ કેસ છે જેમાંથી ૫૨ કેસ શરણાર્થી લોકોના છે.

યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR) અને તેના સહયોગીઓ, વડા પ્રધાન ઓફિસ, હેલ્થ મિનિસ્ટ્રી અને સ્થાનિક સરકાર દ્વારા ભૂખ્યાં-તરસ્યા અને થાકેલા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો સહિતના નિર્વાસિતોને આરોગ્ય તપાસ પછી ૧૪ દિવસના ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવનાર છે. બોર્ડર ક્રોસિંગ નજીક ઝેવડુ ફાર્મ ઈન્સ્ટિટ્યૂટ ખાતે ૬,૦૦૦ લોકોના ક્વોરેન્ટાઈનની વ્યવસ્થા છે. UNHCR અને સહયોગીઓ દ્વારા તંબુઓ, ટોઈલેટ્સ, હાથ ધોવાની અને માસ્કની સુવિધા અને પાણીની ટાંકીઓની વ્યવસ્થા કરાઈ છે. ક્વોરેન્ટાઈન પછી આ લોકોને નિર્વાસિત છાવણીઓમાં લઈ જવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter