કમ્પાલાઃ આફ્રિકામાં યુગાન્ડાથી નાઈજિરિયા સહિતના દેશોમાં સંસ્થાનવાદી કાળમાં સ્ટ્રીટ્સ-શેરીઓને અપાયેલા નામો દૂર કરવા કેમ્પેઈનર્સે સરકારને પિટિશન કરી છે. યુગાન્ડામાં પ્રમુખના સત્તાવાર નિવાસની નજીક બ્રિટિશ કર્નલ ટ્રેવર ટેરનાનનું નામ અપાયેલો લાંબો માર્ગ છે તો રાજધાની કમ્પાલામાં દેશની પાર્લામેન્ટ તરફ દોરી જતા માર્ગને કિંગ જ્યોર્જ છઠ્ઠાનું નામ અપાયેલું છે. યુગાન્ડા, ટાન્ઝાનિયા અને કેન્યા વચ્ચે ફેલાયેલા મીઠા જળના સૌથી મોટા સરોવરને લેક વિક્ટોરિયા નામ અપાયેલું છે જ્યારે સરોવરમાં વિશાળ ખડકોને બિસ્માર્ક રોક્સ નામ અપાયું છે. યુગાન્ડા પાર્લામેન્ટના સ્પીકર રેબેકા કાડાગાએ સાંસદોને જણાવ્યું હતું કે તેઓ કમ્પાલાની સ્ટ્રીટ્સના નવા નામકરણ અને સંસ્થાનવાદી પ્રતીકો હટાવવાની પિટિશન સરકારી કાર્યવાહી માટે વડા પ્રધાન રુહાકાના રુગુન્ડાની ઓફિસને મોકલી આપશે.
ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ૧૯૫૪માં બ્રિટિશ સંસ્થાન યુગાન્ડાની મુલાકાત લીધી તેની યાદમાં યુગાન્ડાના સૌથી લોકપ્રિય ગેમ રિઝર્વને તેમનું નામ અપાયું હતું. અગાઉ આ સ્થળ કાઝિન્ગા નેશનલ પાર્ક તરીકે ઓળખાતું હતું. સંસ્થાનવાદીઓ અને બ્રિટિસ રાજવીઓના નામ અપાયેલી શેરીઓ, માર્ગ અને સ્મારકો સમગ્ર યુગાન્ડામાં જોવાં મળે છે. આંદોલનકારીઓ કહે છે કે આ નામ દૂર કરી તેમના જૂના નામે ઓળખવાનો સમય આવી ગયો છે. તેમણે આવા લેન્ડમાર્ક્સને યુગાન્ડાના રાષ્ટ્રીય નાયકોનું નામ આપવા વૈધાનિક પ્રક્રિયા આરંભવા સાંસદોને અરજી સાથે અનુરોધ કર્યો છે.
આંદોલનના પ્રણેતા અને વકીલ એપોલો માકુબુયા કહે છે કે,‘ સમગ્ર યુગાન્ડામાં સ્થાનિક નામે ઓળખાતાં પાર્ક્સ, સરોવર, શેરીઓ, માર્ગો અને સ્મારકોને બ્રિટિશ શાહી પરિવારના સભ્યોના નામ આપી દેવાયા છે. આ મોટી સમસ્યા છે. યુગાન્ડાએ બ્રિટનથી આઝાદી મેળવ્યા પછી આ લેન્ડમાર્ક્સનું પ્રદર્શન જારી રાખવાનું ઉચિત નથી.’ યુએસમાં જ્યોર્જ ફ્લોઈડની હત્યાના પગલે યુએસ અને યુરોપમાં ગુલામોના વેપાર સાથે સંકળાયેલી વ્યક્તિઓના સ્મારકો તોડી પાડવાની ઝૂંબેશ ચાલી છે. આ સંદર્ભે માકુબુયાએ કહ્યું હતું કે,‘અમે આ પ્રતિમાઓ કે સ્મારકોની તોડફોડ કરવા માગતા ન હોવાથી અને સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ.’
આફ્રિકાના યુગાન્ડા અને નાઈજિરિયામાં સંસ્થાનવાદી વિજયોનું ગૌરવ દર્શાવવા સર ફ્રેડરિક લુગાર્ડનું નામ ઘણી શેરીઓ અને સ્મારકોને અપાયું છે. ‘અમાનવીય વ્યવહાર માટે જવાબદાર’ લુગાર્ડ વેસ્ટ અને ઈસ્ટ આફ્રિકામાં બ્રિટિશ સામ્રાજ્યવાદને આગળ વધારવાનો યશ ધરાવે છે. તેમણે ૨૦મી સદીમાં ઘણા વર્ષો સુધી નાઈજિરિયાના વિસ્તારોનો વહીવટ કર્યો હતો.
લાગોસમાં પણ તેમના નામે એક સ્ટ્રીટ છે. કોંગોમાં લીઓપોલ્ડ બીજાના અત્યાચારો બદલ બેલ્જિયમના રાજાએ દિલગીરી દર્સાવી છે પરંતુ, માફી માગી નથી. આ પોર્ટ સિટીમાંથી ગુલામોને વિદેશ મોકલાતા હતા. અહીંના વિધાયકો સંસ્થાનવાદીઓનું નામ અપાયેલા સ્મારકોનું નવુ નામકરણ કરવા સત્તાવાળાને જણાવી રહ્યા છે. લાગોસના એસેમ્બલી સ્પીકર મુડાશિરુ ઓબાસા કહે છે કે, ‘આ પગલું ઈતિહાસને નવેસરથી લખવાનો પ્રયાસ નથી. આમ છતાં, જેમણે આફ્રિકનો સાથે અમાનવીય વ્યવહાર કર્યો તેમનું બહુમાન થવું ન જોઈએ.