કમ્પાલાઃ યુગાન્ડાના ૩૩ વર્ષીય અગ્રણી કટાક્ષ લેખક અને સરકારના વિવેચક કાકવેન્ઝા રુકિરાબાશાઈજુ ગયા શુક્રવારે જેલમાંથી વીડિયો લીંકના માધ્યમથી આક્રમક નિવેદનોના આરોપોનો સામનો કરવા કોર્ટ સમક્ષ હાજર થયાં હતા. તેમના વકીલ એરોન કિઝાએ જણાવ્યું હતું કે કાકવેન્ઝાએ કશું ખોટું કર્યું હોય તેવા પૂરાવા સરકાર પાસે નથી. સુનાવણી શરૂ થઈ નથી કારણ કે સરકાર તૈયાર નથી. તે ક્યારેય તૈયાર નહીં હોય. આ રાજકીય પ્રોસિક્યુશન છે. કેસો ઉપજાવી કાઢેલા છે.
પ્રમુખ યોવેરી મુસવની અને તેમના પુત્ર મુહુઝી કૈનેરુગાબા વિશે સોશિયલ મીડિયા પર ટીકાત્મક કોમેન્ટ્સ પોસ્ટ કર્યા પછી ડિસેમ્બરમાં તેમની ધરપકડ થઈ હતી. ત્યાર પછી આ પ્રથમ વખત તેઓ જાહેરમાં દેખાયા હતા.
તેમણે આક્ષેપ કર્યો હતો કે રુકિરાબાશાઈજુની મિલિટરી ઈન્ટેલિજન્સ ઓફિસરો અને સ્પેશિયલ ફોર્સિસના સૈનિકો દ્વારા ગેરકાયદે અટક કરાઈ હતી અને પ્રિઝન સર્વિસીસમાં તેમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.