લંડન
યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવિનીએ ઇબોલાની મહામારીના એપી સેન્ટર ગણાતા બે જિલ્લામાં લોકડાઉન 21 દિવસ લંબાવી દીધું છે. તેમણે દાવો કર્યો છે કે સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાંથી મહામારી સામે લડવામાં સફળતા મળી રહી છે. પ્રમુખની કચેરીએ ઘોષણા કરી હતી કે મુબેન્ડે અને કસ્સાન્ડા જિલ્લાઓમાં લોકોની અવરજવર પર 17 ડિસેમ્બર સુધી પ્રતિબંધ રહેશે. આ બંને જિલ્લામાં ઇબોલા મહામારી ફાટી નીકળ્યા બાદ 15મી ઓક્ટોબરથી પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરાયા હતા. ત્યારબાદ પાંચમી નવેમ્બરે ફરી 21 દિવસ માટે લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું.
મુસેવિનીએ જણાવ્યું હતું કે, ઇબોલા મહામારી અટકાવવામાં સરકારને મળેલી સફળતાને જાળવી રાખવા પ્રતિબંધાત્મક આદેશો લંબાવવામાં આવ્યા છે. છેલ્લા બે સપ્તાહથી આ જિલ્લાઓમાં ઇબોલાના નવા કોઇ કેસ નોંધાયા નથી. મને માહિતી આપવામાં આવી છે કે સરકાર દ્વારા લેવાઇ રહેલાં પગલાં સફળ થઇ રહ્યાં છે.