કમ્પાલાઃ યુગાન્ડાની એન્ટિ-કરપ્શન કોર્ટે 7 એપ્રિલ ગુરુવારે દેશના કેબિનેટ મિનિસ્ટર મેરી ગોરેટી કિટુટુ અને તેમના ભાઈ સામે ભ્રષ્ટાચારના કેસમાં આરોપ લગાવ્યા છે. દેશના સૌથી ગરીબ વિસ્તાર કારામોજા વિસ્તારમાં ગરીબો માટે ફાળવાયેલી મેટલ રૂફિંગ શીટ્સ સહિત બિલ્ડિંગ સામગ્રીનું વેચાણ કરવા બદલ તેમના પરિવારના ત્રણ સભ્યની ધરપકડ કરાઈ છે. મિનિસ્ટર કિટુટુ અને તેમના ભાઈ સામે ‘સરકારને નુકસાન’ અને ‘છેતરપિંડીના કાવતરા’ના ચાર્જીસ લગાવાયા હોવાનું દેશના પબ્લિક પ્રોસિક્યુશન્સ ડાયરેક્ટર જેન ફ્રાન્સેસ એબોડોએ જણાવ્યું હતું. તેઓને ફરી 12 એપ્રિલે કોર્ટમાં હાજર કરાશે.
યુગાન્ડાના વિપક્ષી નેતા બોબી વાઈને કહ્યું હતું કે મિનિસ્ટર સામેના આક્ષેપો તો પડદો માત્ર છે. તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની સહિત તેમની સમગ્ર કેબિનેટને ભષ્ટાચાર બદલ જેલભેગી કરાવી જોઈએ. વર્ષ 2007માં બે સરકારી મિનિસ્ટર જિમ મુહવેઝી અને માઈક મુકુલા વિરુદ્ધ લાખો ડોલરની સહાયની ઉચાપત કરવાના આરોપો લગાવાયા હતા.
કારામોજા એફેર્સ મિનિસ્ટર મેરી ગોરેટી કિટુટુના નિકટના ત્રણ સગાંની ‘ઓફિસ ઓફ ધ પ્રાઈમ મિનિસ્ટર’ લખાયેલી લોખંડની શીટ્સ વેચવા બદલ ફેબ્રુઆરીમાં ધરપકડ કરાઈ હતી. મિનિસ્ટર કિટુટુએ ગત મહિને પાર્લામેન્ટરી કમિટી સમક્ષ હાજર થઈ બિલ્ડિંગ સામગ્રીના વિતરણમાં ગેરવહીવટ બદલ માફી આપવા જણાવ્યું હતું. કેન્યા અને સાઉથ સુદાનની સરહદ પર વારંવારના દુકાળનો ભોગ બનતા અંતરિયાળ કારામોજા વિસ્તારમાં વિચરતી જાતિના ગરીબ લોકો રહે છે. આ લોકો માટે ‘કારામોજા કોમ્યુનિટી એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ’ ચલાવાય છે.