કમ્પાલાઃ યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં આવેલા ફાનેરુ મિનિસ્ટ્રીઝ (Phaneroo Ministries) ચર્ચના સભ્યોએ ત્રણ કલાકથી વધુ સમય સતત તાળીઓ વગાડીને નવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. ચર્ચની નવમી વર્ષગાંઠ નિમિત્તે સભ્યોએ ‘ક્લેપ ફોર જિસસ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એકત્ર થયેલા 926 સભ્યોએ કુલ ત્રણ કલાક અને 16 મિનિટ સુધી તાળીઓ વગાડે રાખી હતી અને તાળીઓના ગડગડાટના અવાજનું સરેરાશ સ્તર 88.5 ડેસિબલ્સનું જાળવ્યું હતું. વિક્રમ સર્જવાનો આ પ્રયાસ માન્ય રખાય તે માટે સમગ્ર ઈવેન્ટના ગાળામાં અવાજનું સરેરાશ સ્તર 80 ડેસિબલ્સથી ઉપર રાખવું આવશ્યક હતું.
ફાનેરુ મિનિસ્ટ્રીઝ ચર્ચના વડા ગ્રેસ લુબેગાએ સમજાવ્યું હતું કે ‘ક્લેપ ફોર જિસસ’ ઈવેન્ટનો હેતુ થેન્ક્સગિવિંગ અને ઉજવણીના માહોલમાં લોકો એકસાથે રહે તેવો હતો. કાર્યક્રમમાં ભાગ લેનારાઓ અટક્યા વિના સતત તાળીઓ વગાડતા રહે તેના પર ચોકસાઈ રાખવા ખાસ સ્ટુઅર્ડ્સ રાખવામાં આવ્યા હતા. આ ઈવેન્ટનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેથી વ્યાપક પ્રમાણમાં લોકો તેને માણી અને જાણી શકે. યુગાન્ડાની સ્ટાન્ડર્ડ્સ એજન્સી અને નેશનલ બાસ્કેટબોલ વહીવટી સંસ્થાએ આ ઈવેન્ટનું વિશેષ મોનિટરિંગ કર્યું હતું જેથી તેને કાયદેસરતા પ્રાપ્ત થાય.
અગાઉ યુનાઈટેડ કિંગ્ડમમાં 2019માં ક્લાર્ક સ્ટીવન્સ અને ધ ફેસ્ટિવલ ઓફ ઓસમનેસ (The Festival of Awesomeness) દ્વારા સતત બે કલાક અને પાંચ મિનિટ સુધી તાલીઓ વગાડતા રહેવાનો વિક્રમ નોંધાયો હતો.