કમ્પાલાઃ અમેરિકાએ ગયા મહિને અફઘાનિસ્તાનમાં વિશાળ રેસ્ક્યુ ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું અને અંદાજે ૧૨૦,૦૦૦ લોકોને સલામત સ્થલે પહોંચાડ્યા હતાં. છેલ્લાં ૨૦ વર્ષમાં પોતાના દેશના સારા ભવિષ્યના ઘડતર માટે જે હજારો અફઘાનીઓએ અમેરિકા અને સાથી દેશોને મદદ કરી હતી તે તમામ તાલિબાનના શાસનમાં તેમના શા હાલ થશે તે વિચારીને દેશ છોડી જવા મરણિયા બન્યા હતા
તાલિબાનીઓએ કાબુલમાં પ્રવેશ કર્યો તેના એક અઠવાડિયા પછી યુગાન્ડાએ અફઘાન શરણાર્થીઓની પ્રથમ ટુકડીને આવકારી હતી. અમેરિકાએ શરણાર્થીઓના આશ્રય માટે જે દેશોનો સંપર્ક સાધ્યો તેમાં યુગાન્ડા પ્રથમ હતું. ૧૯૪૦થી શરણાર્થીઓને આશ્રય આપવાનો યુગાન્ડાનો લાંબો ઈતિહાસ છે. સૌ પહેલા યુગાન્ડાએ નાઝીઓએ કબજે કરેલા યુરોપથી આવતા લોકોને આશ્રય આપ્યો હતો.
અત્યારે આફ્રિકાના કોઈપણ દેશમાં ન હોય તેટલાં ૧.૫ મિલિયન શરણાર્થીઓ યુગાન્ડામાં છે. હકીકતે તો તે દુનિયાના મોટાભાગના દેશમાં હોય તેના કરતાં પણ વધુ છે.
કોરોના મહામારીમાં દેશના નાગરિકોની આર્થિક પરિસ્થિતિ કથળી છે ત્યારે યુગાન્ડાએ ૨,૦૦૦ લોકોને આશ્રય આપવાનું આટલી ઝડપથી કેવી રીતે સ્વીકાર્યું તેવો આંતરરાષ્ટ્રીય મીડિયામાં હજુ પણ કેટલાંક લોકો પ્રશ્ર કરે છે.