કમ્પાલાઃ યુગાન્ડા સહિતના ઘણા દેશોમાં બાળકોનો સમય પહેલાં જન્મ, બાળજન્મ પછી ધાવણ આવતું ન હોય કે અપૂરતું હોય, સ્તનદીંટ પર ઉઝરડાં હોય અથવા બાળકો એટલા અશક્ત હોય કે માતાનું ધાવણ ખેંચી ન શકે તેવી સમસ્યા સામાન્ય છે. આ સ્થિતિમાં નવજાત બાળકોને બચાવવાં બહારથી દૂધ આપવું પડે છે જેમાં માતાનાં ધાવણ જેવાં પોષકતત્વોનો અભાવ હોય છે. આવા સમયે પૂરતાં પ્રમાણમાં ધાવણ આવતું હોય તેવી માતાઓ દ્વારા દૂધનું દાન કામમાં આવે છે. યુગાન્ડામાં ATTA બ્રેસ્ટમિલ્ક કોમ્યુનિટી ચેરિટીએ દૂધ ઉત્પન્ન ન કરી શકતી માતાઓનાં બાળકો જીવી શકે તે માટે સલામત અને સ્વચ્છ ધાવણ-બ્રેસ્ટમિલ્ક પહોંચાડવાનું કાર્ય ઉપાડી લીધું છે. આ સિવાય, પાસપડોશમાં રહેતી અન્ય માતાઓ પણ પોતાના ધાવણનું દાન કરતી હોય તે સામાન્ય છે.
બ્રેસ્ટમિલ્ક કોમ્યુનિટી ચેરિટીની સ્થાપના 2021માં એક મહિલા દ્વારા થઈ હતી જેના બાળકનું ડિલિવરી પછી મોત થયું હતું અને તેનું ધાવણ વહી રહ્યું હતું. તેણે ધાવણનો ઉપયોગ નવજાત બાળકોની માતાઓને કામ આવે તે માટે દાન કરવા નિર્ણય કર્યો હતો. આ નોન પ્રોફિટ રજિસ્ટર્ડ ચેરિટીને સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી ગ્રાન્ટ્સ મળે છે. યુગાન્ડામાં હોસ્પિટલની વ્યવસ્થા સિવાય નોંધપાત્ર ધાવણનો સંગ્રહ કરી શકે તેવી આ એકમાત્ર સંસ્થા છે. કસમયે જન્મેલા કે માતાનું દૂધ પીવાં અશક્તિમાન બાળકો માટે હોસ્પિટલ્સ અથવા ઘરમાંથી ધાવણની મદદ માગવામાં આવે છે. ચેરિટીના લોન્ચિંગ પછી 200થી વધુ માતાએ 450થી વધુ નવજાત શિશુઓને સપોર્ટ કરવા બ્રેસ્ટમિલ્કનું દાન કર્યું છે.ATTAના રેકોર્ડ્સ મુજબ આ ગાળામાં જરુરિયાતમંદ બાળકો માટે 600 લીટર દૂધ પહોંચતું કરવામાં આવ્યું હતું.
ATTA ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર દૂધદાતાઓને હાકલ કરે છે. ધાવણનું દાન કરવા ઈચ્છતી સ્ત્રીઓએ HIV, હિપેટાઈટિસ બી અને સી સહિત માટે પરીક્ષણોના સેમ્પલ આપવાના રહે છે. સ્વતંત્ર મેડિકલ ગ્રૂપ રોકેટ હેલ્થ યુગાન્ડા દ્વારા લેબોરેટરી પરીક્ષણો કરવામાં આવે છે. સ્ક્રીનિંગ અને પરીક્ષણોમાં પસાર થયેલી સ્ત્રીઓને સ્ટોરેજ બેગ્સ અપાય છે જેનું સુરક્ષિત હેન્ડલિંગ કરવાનું રહે છે.
ગ્રૂપના એડમિનિસ્ટ્રેટર રાચેલ અકુગિઝિબ્વે કહે છે કે તેમનું કાર્ય ઉમદા વળતર આપી રહ્યું છે. તમે અચાનક જાગો અને કોઈ માતા તરફથી સંદેશો મળે કે આ તમારા બાળકો છે ત્યારે સમગ્ર ટીમ માટે ઉજવણીની વાત બની જાય છે. તમે દૂધ આપ્યું હોય ત્યારે જે બાળક 500થી 700 ગ્રામનું હોય તેને એક બે વર્ષ પછી તંદુરસ્ત નિહાળીએ ત્યારે અમારા માટે ઉજવણી જ હોય અને આ બાબતો અમને કાર્ય કરતા રહેવાની પ્રેરણા આપે છે.
સપોર્ટ માટે અપેક્ષા કરતાં વધુ વિનંતીઓ મળે છે ત્યારે ATTA બ્રેસ્ટમિલ્ક કોમ્યુનિટી ચેરિટીને મોટા પાયે સ્ટોરેજ બેગ્સ મેળવવી, ટેસ્ટિંગના ખર્ચા સહિતના નાણાકીય પડકારોનો સામનો કરવાનો આવે છે. તેઓ પમ્પિંગ સેન્ટર ખોલવાનું પણ વિચારી રહ્યા છે. આ ઉપરાંત, પેશ્ચરાઈઝેશન સુવિધા સાથે પૂર્ણ કક્ષાની બ્રેસ્ટ મિલ્ક બેન્ક સ્થાપવાનું પણ તેમનું લક્ષ્ય છે.