કમ્પાલાઃ ગ્રેમી એવોર્ડ ફોર બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ માટે નોમિનેટ કરાયેલા એડી કેન્ઝોનું એક માત્ર લક્ષ્ય પોતાની સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રસાર કરવાનું છે. યુગાન્ડાના સૌપ્રથમ ગ્રેમી સ્પર્ધક અને મૂળ ઈદ્રિશાહ મુસુઝા નામ ધરાવતા એડી કેન્ઝો કહે છે કે તેની સફળતા દર્શાવે છે કે સૌથી ગરીબ વ્યક્તિ પણ વિજયી બની શકે છે. પોતાની મોટી સફળતાના 13 વર્ષ પછી કેન્ઝો યુએસના મ્યુઝિશિયન મેટ બીને દર્શાવતા તેના 2022ના લુગાન્ડા-ઈંગ્લિશ ગીત ‘Gimme Love’ માટે ગ્રેમીને યુગાન્ડા લઈ આવવા તૈયાર છે.
ગ્રેમી નોમિની કેન્ઝો કહે છે કે,‘હું મારી સંસ્કૃતિ અને હું જે કાંઈ જાણું છું તેને વિશ્વમાં પ્રચાર કરવાનો પ્રયાસ કરતો રહું છું. હું જે ભાષા બોલું છું, અમે અહીં સ્થાનિક રીતે જે મ્યુઝિક બનાવીએ છીએ તેને આધુનિક સ્વરૂપ આપીને વેચું છું. હું જ્યાંથી આવું છું તેના અવાજ-ધ્વનિને સમગ્ર વિશ્વમાં પહોંચાડવા પ્રયાસ કરું છું.’
વંચિત બાળક તરીકે ઉછરેલા કેન્ઝોએ પોતાના સ્વપ્નોને સાકાર કર્યા છે અને વિશ્વમાં પ્રભુત્વ પાથરનારા અવાજમાં પોતાના સિંગલ ‘Stamina’ સાથે નામના હાંસલ કરી હતી. લવચિક માનસિકતાની શક્તિની ગૂંજ પથરાવતા 2014ના નૃત્યગીત ‘Sitya Loss’ રીલિઝ થવા સાથે તેના ગ્લોબલ પ્રોફાઈલમાં વધારો થયો હતો. તે કહે છે કે,‘હું ઈંગ્લિશ ગીતો કરતો નથી, હું એ પ્રકારનું મ્યુઝિક કરવા પ્રયાસ કરતો નથી ત્યારે મને ગ્રેમી માટે નોમિનેટ કરાયો છે તેના વિશેથી લાગણીઓ હું વ્યક્ત કરી શકતો નથી.’
પોતાની અભૂતપૂર્વ સફળતા છતાં, બે સંતાનના પિતા એડી કેન્ઝો પોતાની પ્રારંભિક શરૂઆતને ભૂલ્યો નથી અને તેના જેવા અન્યો માટે માર્ગ મોકળો બનાવવા તત્પર છે. પોતાના લેબલ ‘બિગ ટેલન્ટ એન્ટરટેઈનમેન્ટ’ મારફત કેન્ઝો કમ્પાલાના વંચિત યુવાનોને તેમની મ્યુઝિકલ ટેલન્ટ ખીલવવા પ્રોત્સાહિત કરી રહ્યો છે. અનાથ અને ઘરબારવિહોણા કેન્ઝો પોતાના ગીતો વગાડવા માટે DJs ને વિનંતીઓ કરતા રહેતા હતા. હવે તેઓ યુગાન્ડાના બાળકોને ડાન્સ શીખવાનો માર્ગ મોકળો બનાવે છે. તેઓ કમ્પાલાના સબર્બ માકિન્ડ્યેમાં બિગ ટેલન્ટ એન્ટરટેઈનમેન્ટ સ્ટુડિયોમાં Ghetto Kidsના વંચિત યુવાસભ્યો સાથે ડાન્સ રુટિન્સનું રિહર્સલ કરતા નજરે પડે છે.