કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ તેમના પુત્ર અને દેશના ઉચ્ચ જનરલ 48 વર્ષીય મુહૂઝી કેઈનેરુગાબાએ કેન્યા પર આક્રમણ કરવાની ટ્વીટર પર આપેલી ધમકીના સંદર્ભે કેન્યાની માફી માગી છે. જોકે, મુહૂઝીએ પાછળથી જણાવ્યું હતું કે આખી વાત મશ્કરીમાં જ કહેવાઈ હતી.
પ્રમુખ મુસેવેનીએ જણાવ્યું હતું કે તેમણે કેન્યાના પ્રમુખ વિલિયમ રુટો સાથે આ મુદ્દે વાતચીત કરી કેન્યાવાસીઓને જનરલ મુહૂઝીને ટિપ્પણી બદલ માફ કરવા કહ્યું છે. તેમણે કહ્યું કે જાહેર પદાધિકારીઓએ અન્ય દેશોની બાબતોમાં હસ્તક્ષેપ કરવો ન જોઈએ. કેઈનેરુગાબાના ટ્વીટના પગલે કેન્યાવાસીઓમાં ભારે રોષ ફેલાયો હતો જેના પરિણામે યુગાન્ડાના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરી આ ટિપ્પણીઓ પર ધ્યાન નહિ આપવા નાઈરોબીને જણાવ્યું હતું.
મુસેવેનીના કહેવાતા વારસદાર કેઈનેરુગાબા સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય છે અને અવારનવાર વિપક્ષી નેતાઓ સામે શાબ્દિક પ્રહારો કરી રાજકારણમાં ઘૂસણખોરી કરતા રહે છે. તેમણે ટ્વીટર પર ઉશ્કેરણીજનક ટ્વીટ કરી પડોશી દેશ કેન્યા પર હુમલો કરી બે સપ્તાહમાં તેની રાજધાની નાઈરોબી પર કબજો કરી લેવાનું જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે,‘મારા લશ્કર અને મને નાઈરોબી પર કબજો લેવામાં બે સપ્તાહ પણ નહિ લાગે.’ બંને પડોશી દેશોએ તેમની સંસ્થાનવાદી સરહદો પડતી મૂકી એક થઈ જવું જોઈએ તેવી ટિપ્પણી પણ કરી હતી.
એમ કહેવાય છે કે 1986થી યુગાન્ડા પર શાસન તલાવી રહેલા 78 વર્ષીય પ્રમુખ મુસેવેની તેઓ નિવૃત્ત થાય ત્યારે તેમનું પદ સંભાળી લેવા પુત્ર જનરલ મુહૂઝી કેઈનેરુગાબાને તૈયાર કરી રહ્યા છે. રચનાત્મક યોગદાન આપવા બદલ મુહૂઝીને ફોર સ્ટાર જનરલ તરીકે બઢતી અપાઈ હતી.