કમ્પાલાઃ ગરીબ લોકો માટે ફાળવાયેલી સામગ્રીના બારોબાર વેચાણના કૌભાંડમાં વધુ એક મિનિસ્ટર આમોસ લુગોલૂબી વિરુદ્ધ કમ્પાલાની કોર્ટમાં આરોપ લગાવાયા છે. લુગોલૂબીએ આરોપ નકારી કાઢ્યા હતા. અગાઉ, કારામોજાના ઈન્ચાર્જ મિનિસ્ટર મેરી ગોરેટ્ટી કિટુટુ સામે પણ આરોપ લગાવાયા હતા. આ કૌભાંડમાં વાઈસ પ્રેસિડેન્ટ, પાર્લામેન્ટરી સ્પીકર, પ્રાઈમ મિનિસ્ટર અને કેટલાક પ્રધાનો સહિત ઓછામાં ઓછાં 22 પદાધિકારીઓ સંડોવાયેલા હોવાનું કહેવાય છે.
અંતરિયાળ કારામોજા વિસ્તારમાં ગરીબ લોકોના ઘર માટે લોખંડના છાપરાં-શીટ્સની ફાળવણી કરાઈ હતી પરંતુ, તેમના સુધી આ સામગ્રી પહોંચી જ ન હતી. પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ ફેબ્રુઆરીમાં જાહેર થયેલાં આ કૌભાંડની તપાસના આદેશો આપ્યા છે. યુગાન્ડાના સત્તાવાળાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે પરંતુ, મોટા ભાગના કૌભાંડમાં પદાધિકારીઓ વિરુદ્ધ ભાગ્યે જ ક્રિમિનલ ચાર્જીસ લગાવાય છે.