કમ્પાલાઃ યુગાન્ડાના લશ્કરી વડા જનરલ મુહૂઝી કાઈનેરુગાબાએ પડોશના પૂર્વીય કોંગોમાં રહેલા તમામ દળો 24 કલાકમાં તેમના શસ્ત્રો સાથે શરણાગતિ ન સ્વીકારે તો કોંગોના બુનિઆ શહેર પર હુમલો કરવાની ધમકી ઉચ્ચારી છે. પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીના પુત્ર જનરલ કાઈનેરુગાબા વિદેશનીતિ મુદ્દે ઉશ્કેરણીજનક ટીપ્પણીઓ કરવાનો ઈતિહાસ ધરાવે છે. તેણે કહ્યું હતું કે પ્રેસિડેન્ટ મુસેવેનીએ આ બાબતે તેને સત્તા આપી છે.બીજી તરફ, યુગાન્ડાના મિલિટરી પ્રવક્તાએ આ મુદ્દે તે ટીપ્પણી કરવાનું નકાર્યું હતું.
જનરલ કાઈનેરુગાબાએ મંગળવાર 15 ફેબ્રુઆરીએ Xપર કોઈ પુરાવા રજૂ કર્યા વિના જણાવ્યું હતું કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બાહિમા વંશીય જૂથના લોકોની હત્યા થઈ રહી છે. અમારા લોકો પર હુમલાઓ કરવાની ખતરનાક સ્થિતિ છે. અમારા લોકોની હત્યા કરી તેના માટે સહન કરવું ન પડે તેવું કોઈ આ પૃથ્વી પર નથી. તેણે અન્ય પોસ્ટ પર જણાવ્યું હતું કે બુનિઆ ટુંક સમયમાં જ યુગાન્ડા પીપલ્સ ડિફેન્સ ફોર્સના હાથમાં હશે.
કોંગોના પ્રાઈમ મિનિસ્ટર જ્યુડિથ સુમિન્વાએ જણાવ્યું હતું કે તેમની સરકાર કાઈનેરુગાબાની રિમાર્ક્સ પર કોઈ ટીપ્પણી કરવા ઈચ્છતી નથી. મુસેવેનીના વારસદાર ગણાતા અને યુગાન્ડાના સર્વોચ્ચ મિલિટરી અધિકારીની ધમકી કોંગોના ફોર્સીસ અને રવાન્ડાનું પીઠબળ ધરાવતા M23 બળવાખોરો વચ્ચેનો સંઘર્ષ વ્યાપક પ્રાદેશિક યુદ્ધ જગાવી શકે તેવા ભયને વધાર્યો છે.