કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ સજાતીયતાવિરોધી (anti-LGBTQ) બિલને શરતી સમર્થન આપ્યું છે અને સજાતીય લોકોના પુનર્વસનની જોગવાઈ સહિતના આવશ્યક સુધારાવધારા માટે પાર્લામેન્ટને પરત મોકલી આપ્યું છે. આ બિલ વિશ્વમાં સૌથી કઠોર સજાતીયતાવિરોધી બિલ છે જેને પ્રમુખ મુસેવેનીનો ટેકો પણ છે. મુસેવેનીની પાર્ટી નેશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ (NRM)ના સાંસદોના જૂથે પ્રેસિડેન્ટને મળી તેમની સાથે ચર્ચા કરી હતી. પ્રેસિડેન્ટ તેને કાયદો બનાવવા સૈદ્ધાંતિક રીતે સંમત થયા હતા. તેમણ–ે આ બિલ માટે પાર્લામેન્ટની પ્રશંસા કરવા સાથે કહ્યું હતું કે તેઓ સામ્રાજ્યવાદીઓના દબાણોને વશ નહિ થાય. અમેરિકાએ આ બિલ કાયદો બનાવાય તો આર્થિક પરિણામોની ચેતવણી આપેલી છે.
અગાઉ, ચીફ વ્હીપ ડેનિસ હેમસન ઓબુઆએ જણાવ્યું હતું કે કેટલીક જોગવાઈઓને વધુ મજબૂત બનાવવાના આશયથી પાર્લામેન્ટને પરત મોકલાશે. જોકે, પ્રેસિડેન્ટ કઈ જોગવાઈઓને વધુ મજબૂત બનાવવા કે કેવા સુધારાવધારા ઈચ્છે છે તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. હાલ તો પ્રમુખે સજાતીય લોકો માટે પુનર્વસનની જોગવાઈ ઉમેરવા જણાવ્યું છે. કેટલાક સાંસદોનું કહેવું છે કે વર્તમાન કાયદા સાથે વિરોધાભાસી ન હોય તેમજ કોર્ટમાં પડકારની સફળતા ન મળે તે માટે બિલને વધુ મજબૂત બનાવાશે. ગંભીર હોમોસેક્સ્યુઆલિટીના અપરાધમાં HIV- પોઝિટીવ હોવાની જાણકારી સાથે સજાતીય સંબંધ રાખવાનો સમાવેશ થાય છે.
કથિત ગંભીર સજાતીયતાના કિસ્સામાં મૃત્યુદંડ તેમજ હોમોસેક્સ્યુઆલિટીનો પ્રચાર કરવા બદલ 20 વર્ષની જેલની સજાની જોગવાઈ ધરાવતા બિલની યુએસ, યુનાઈટેડ નેશન્સ, યુરોપિયન યુનિયન તેમજ સંખ્યાબંધ કોર્પોરેટ જાયન્ટ્સ દ્વારા તેનો ભારે વિરોધ કરાયો છે.
પ્રમુખ મુસેવેની સજાતીયોના અધિકારોના સખત વિરોધી છે અને તેમણે ગત મહિને સજાતીય લોકોને સામાન્ય લોકોથી અલગ વિકૃત ગણાવ્યા હતા. તેમણે 2014માં સજાતીય સંબંધો માટે કડક સજા કરતા કાયદાને મંજૂરી આપી હતી પરંતુ, સજાતીયતાની સમસ્યાનું કાયદાના બદલે સારવાર થકી નિરાકરણ લાવવું જોઈએ તેમ પણ જણાવ્યું હતું. આ કાયદો અમલી થતાં પશ્ચિમી સરકારોએ સહાય અટકાવી દીધી હતી, વિઝા નિયંત્રણો લાદ્યા હતા અને સુરક્ષા સહકારને પણ નિયંત્રિત બનાવ્યો હતો. જોકે, સ્થાનિક કોર્ટે ટેક્નિકલ કારણોસર કાયદાને ગેરકાયદે ઠરાવ્યો હતો.