કમ્પાલાઃ યુગાન્ડાના સાંસદોએ વિવાદાસ્પદ સજાતીયતાવિરોધી કાયદામાં થોડો સુધારો કર્યો હતો. જોકે, HIV પોઝિટિવ સજાતીય સેક્સ માટે મૃત્યુદંડની સજા યથાવત રાખી છે. યુગાન્ડાની પાર્લામેન્ટે 2 મે, મંગળવારે સુધારાઓ સાથે એન્ટી-હોમોસેક્સ્યુઆલિટી બિલ 2023ને પસાર કર્યું હતું. સુધારેલી જોગવાઈઓ હેઠળ સજાતીય વર્તન ગેરકાયદે જ ગણાશે પરંતુ, સજાતીય પ્રવૃત્તિ આચર્યા વિના પોતાને સજાતીય ઓળખ જાહેર કરવાને સજાને પાત્ર ગણાવાશે નહિ.
યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ એપ્રિલ મહિનાના અંતે તેમની મંજૂરી માટે મોકલાયેલું બિલ સુધારાવધારા કરવાની સૂચના સાથે પાર્લામેન્ટને પરત મોકલ્યું હતું. પાર્લામેન્ટે માર્ચમાં પસાર કરેલા આ બિલમાં LGBTQ+ સજાતીય ઓળખ જાહેર કરવા બદલ પણ 20 વર્ષની સજાની જોગવાઈ હતી. નવા બિલમાં LGBTQ+ની ઓળખ કે તેમ દેખાતા હોય તેમજ ખરેખર સજાતીય સેક્સમાં જોડાતા હોય તેવા લોકો વચ્ચે ભદ કરવામાં આવ્યો છે. સજાતીયતાની ઓળખ છતાં, સજાતીય સંબંધો નહિ ધરાવતા લોકોને કાયદા દ્વારા સજા કરાશે નહિ. યુગાન્ડામાં સજાતીય સંબંધો ગેરકાયદે જ છે અને તેના માટે આજીવન કેદની સજા થઈ શકે છે.
સુધારેલા બિલ હેઠળ હવે વ્યક્તિઓએ ‘બાળકો અને નિર્બળ લોકો’ સાથે સજાતીય પ્રવૃત્તિને કાયદેસર જાહેર-રિપોર્ટ કરવી પડશે. આવી જાહેરાત નહિ કરવા બદલ દંડ અથવા 6 મહિનાની જેલની સજા થઈ શકશે. આ બિલ ફરી પ્રેસિડેન્ટ મુસેવેનીને મોકલી અપાશે અને તેમણે બિલ ફગાવી દેવું કે તેને કાયદાનું સ્વરૂપ આપવું તેનો નિર્ણય કરવાનો રહેશે. જોકે, પ્રેસિડેન્ટ સજાતીયના કટ્ટર વિરોધી હોવાથી નવાં બિલ પર હસ્તાક્ષર કરશે તેવી પૂર્ણ શક્યતા છે.