કમ્પાલાઃ યુગાન્ડામાં સંગીતકારમાંથી વિપક્ષી નેતા બનેલા રોબર્ટ ક્યાગુલાન્યી સ્સેન્ટામુ ઉર્ફ બોબી વાઈને સ્પષ્ટ કર્યું છે કે,‘જો હું જીવતો હોઈશ અને જેલમાં નહિ હોઉં તો..’ યુગાન્ડાની 2026ની પ્રમુખપદની ચૂંટણી અવશ્ય લડીશ. હિંસાની ધમકીઓ, જેલવાસ અને ભૂતકાળમાં હુમલાઓ છતાં, યોવેરી મુસેવેનીના શાસનને પડકાર આપવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી. મુસેવેની 1986થી સત્તા પર છે અને 2026માં પ્રમુખપદની સાતમી મુદત માટે ચૂંટણી લડવાના છે.
નેશનલ યુનિટી પ્લેટફોર્મ (NUP) પાર્ટીના નેતા વાઈને કહ્યું હતું કે યુગાન્ડાવાસીઓ અને ખાસ કરીને યુવાવર્ગને પરિવર્તનની આશાને આગળ વધારવા સિવાય તેમની પાસે અન્ય કોઈ પસંદગી નથી. યુગાન્ડાની વસ્તીના 80 ટકા 35 વર્ષથી ઓછી વયના છે. આ ઈલેક્શન અને પ્રચાર માટે લોકોની ગુડવિલ જ મહત્ત્વની છે. વાઈને આગામી ચૂંટણીમાં ખરાબ હિંસા થવાનો ભય વ્યક્ત કર્યો હતો. આફ્રિકા ઈલેક્શન્સ વોચ અને યુએસ વિદેશવિભાગે 2021ની ચૂંટણીમાં ગેરરીતિ થયાનું જણાવ્યું હતું. તે સમયે પ્રચાર દરમિયાન, વાઈનને જેલભેગા કરાયા હતા તેમજ હુમલા થવા ઉપરાંત, મોતની ધમકીઓ પણ મળી હતી. મુસેવેનીના પુત્ર ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ જનરલ મુહુઝી કાઈનેરુગાબાએ પણ વાઈનને ધમકીઓ આપી છે.