કમ્પાલાઃ યુગાન્ડામાં આફ્રિકાની સૌથી મોટી નિર્વાસિત છાવણીમાં 1.6 મિલિયન લોકો છે જે સંખ્યા યુરોપિયન યુનિયનમાં આવેલી કોઈ નિર્વાસિત છાવણીમાં રહેનારા લોકોથી બમણાથી વધુ છે. યુગાન્ડાની કુલ વસ્તીમાં નિર્વાસિતોનું પ્રમાણ 3.6 ટકા છે. મોટા ભાગના નિર્વાસિતો હિંસા અને સંઘર્ષોમાં સંકળાયેલા પડોશી દેશો સાઉથ સુદાન અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોથી આવેલા છે. આ નિર્વાસિતોના 81 ટકા સ્ત્રીઓ અને બાળકો છે.
સાઉથ વેસ્ટ યુગાન્ડાની નાકિવાલે વસાહતમાં 185,000 લોકો રહે છે અને દર સપ્તાહે વધુ નિર્વાસિતો આવતા જ રહે છે. યુગાન્ડા બધા નિર્વાસિતો માટે ખુલ્લા દ્વાર રાખે છે કારણકે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી મળતી માનવતાવાદી સહાયનો લાભ દેશને પણ મળે છે. આ સમુદાય શાળાઓ અને હોસ્પિટલ્સ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ માટે નાણા આપે ચે જેનો ઉપયોગ નિર્વાસિતો અને સ્થાનિક વસ્તી પણ કરે છે. જોકે, યુગાન્ડાને મળતી સહાય ઘટી રહી છે. 2018માં પ્રતિ નિર્વાસિત વાર્ષિક આશરે 170 ડોલર ખર્ચાતા હતા આજે માત્ર 85 ડોલર ખર્ચાય છે.
નિર્વાસિત વસાહતોમાં દરેક રેફ્યુજીને ખેતી કરવા નાનો પ્લોટ તેમજ રોકડ/ખોરાકની સહાય અપાય છે. પેરન્ટ્સ કે વાલી વિનાના નાના બાળકોને અન્ય નિર્વાસિતોને ઉછેર માટે સોંપાય છે. જોકે, નાકિવાલે સહિતની વસાહતોમાં ગરીબી અને શાળા છોડી દેવાની ટકાવારી ઊંચી છે. નાના બાળકોમાં કુપોષણનો દર પણ 10થી 15 ટકા જેટલો ઘણો ઊંચો રહે છે.