કમ્પાલાઃ યુગાન્ડાની બંધારણીય કોર્ટે 10 જાન્યુઆરી મંગળવારે વિવાદાસ્પદ ઈન્ટરનેટ કાયદાનો મહત્ત્વનો હિસ્સો દૂર કર્યો હતો. દેશના જમણેરી જૂથોએ આ હિસ્સો વાણી સ્વાતંત્ર્યનો અવરોધક હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકાર આ ચુકાદા સામે અપીલ કરશે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી.
યુગાન્ડાની બંધારણીય કોર્ટના પાંચ જજીસની પેનલ વતી જસ્ટિસ કેનેથ કાકુરુએ ચુકાદો જાહેર કરતા જણાવ્યું હતું કે 2011ના કોમ્પ્યુટર મિસયુઝ એક્ટનો આર્ટિકલ ઈસ્ટ આફ્રિકન દેશન બંધારણની વિરુદ્ધ હોવાથી તે ‘નલ એન્ડ વોઈડ’ જાહેર કરવામાં આવે છે. જજ કાકુરુએ કહ્યું હતું કે આ સેક્શન મુક્ત અને લોકશાહી સમાજમાં વાણીના સ્વાતંત્ર્યને અવરોધક હોવાથી તે ગેરવાજબી છે. આ કાયદાનો એક હિસ્સો કોઈ પણ કાયદેસર કોમ્યુનિકેશનના હેતુ વિના શાંતિ અથવા કોઈ વ્યક્તિના પ્રાઈવસીના અધિકારમાં ખલેલ અથવા ખલેલના પ્રયાસ માટે ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનનો ઉપયોગ અપરાધ ઠરાવતો હતો.
જમણેરી જૂથોએ આ કાયદાને અભિવ્યક્તિની આઝાદીને અંકુશમાં લેવાના તેમજ પીઢ પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીના વિરોધીઓ પર તૂટી પડવાના સાધન તરીકે ગણાવી તેનો જોરદાર વિરોધ કર્યો હતો. એન્ડ્રયુ કારામાગી સહિતના નેતાઓએ 2016માં આ કાયદાને કોર્ટમાં પડકાર્યો હતો. આ કાયદા અન્વયે સજા કરાયેલા લોકો 10 વર્ષ સુધી જાહેર હોદ્દા ધારણ કરી શકતા ન હતા. આ ઉપરાંત, અપરાધી 15 મિલિયન યુગાન્ડન શિલિંગ્સ (આશરે 3,900 ડોલર)ના દંડ અને સાત વર્ષ સુધી જેલની સજાને પાત્ર બનતા હતા.