કમ્પાલાઃ યુગાન્ડામાં સંખ્યાબંધ શકમંદ આરોપીઓ ટ્રાયલની રાહ જોતા જેલોમાં સબડી રહ્યા છે. રિમાન્ડ પર લાંબો સમય લેવાતો હોવાથી અનેક જેલો કેદીઓથી ભરચક છે તેમ માનવાધિકાર કર્મશીલોની સંસ્થા એડવોકેટ્સ સાન્સ ફ્રન્ટિયર્સ (ASF)ના રિપોર્ટમાં જણાવાયું છે. આ રિપોર્ટ 2021માં નવ મહિના સુધી 613 શકમંદોના ઈન્ટરવ્યૂ પછી તૈયાર કરાયો હતો.
ઈન્ટરવ્યૂ લેવાયેલા 613 અટકાયતીઓમાં અરૂઆ, ગુલુ, માસિન્ડિ, કિટગુમ, અને વાકિસો ડિસ્ટ્રિક્ટની 12 જેલોમાં રહેલા 477 પુરુષ અને 136 મહિલા કેદીનો સમાવેશ થયો હતો. ASFના રિપોર્ટમાં જણાવાયું છે કે 58 ટકા શકમંદો ટ્રાયલ વિના જ અટકાયતમાં 216 કલાક (9 દિવસ)થી વધુ સમય ગાળે છે. આ દર્શાવે છે કે પોલીસ અને જેલ સત્તાવાળાઓ દ્વારા 48 કલાકના નિયમનું પાલન કરાતું નથી.
613 કેદીઓમાંથી માત્ર 253 (આશરે 42 ટકા)એ રિમાન્ડ પર મહિનાથી ઓછો સમય વીતાવ્યો હતો બાકીના અંડરટ્રાયલ કેદીઓએ 6 મહિનાથી 1 વર્ષ વચ્ચેનો સમય જેલમાં ગાળ્યો હતો. રિપોર્ટ અનુસાર 64 ટકા કેદીને જામીન અરજી કરવાના અધિકારની જાણ હતી પરંતુ, મર્યાદિત શિક્ષણ, ઓછી આવકના કારણે તેઓ ખાનગી વકીલોની સેવા મેળવી શક્યા ન હતા. 613 કેદીમાંથી માત્ર 33 કેદી ખાનગી વકીલની સેવા મેળવી શક્યા હતા. પુરુષ કેદીઓમાં 40 ટકા યુનિવર્સલ પ્રાઈમરી શિક્ષણ ધરાવતા હતા જ્યારે 37 ટકાની કોઈ શૈક્ષણિક લાયકાત ન હતી. બીજી તરફ, સ્ત્રી કેદીઓમાં 41 ટકા કોઈ શૈક્ષણિક લાયકાત વિનાની હતી અને 38ટકા પ્રાઈમરી લિવિંગ એક્ઝામિનેશનની લાયકાત ધરાવતી હતી.
દરમિયાન, કમ્પાલા મેટ્રોપોલિટન ડેપ્યુટી પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે પોલીસ કસ્ટડીમાં 48 કલાકથી વધુ સમય ગાળતા શકમંદો મુખ્યત્વે હત્યા સહિતના કેપિટલ ઓફેન્સીસ ધરાવનારા હોય છે જેના માટે ટ્રાયલ પહેલા પૂરતી તપાસ કરવાની રહે છે.