કમ્પાલાઃ યુગાન્ડાની પાર્લામેન્ટે 21 માર્ચ મંગળવારની રાત્રે એલજીબીટીક્યુ (LGBTQ) સમુદાયને ગુનેગાર ઠેરવતા ખરડાને મંજૂરી આપી દીધી છે અને ખરડાને કાયદાનું સ્વરૂપ આપવા પ્રમુખ મુસેવેનીના હસ્તાક્ષરની રાહ જોવાઈ રહી છે. સજાતીય કે સમલૈંગિક જાતિય સંબંધોને અપરાધ ગણાવી આવા સંબંધ બાંધવા પર પ્રતિબંધ લગાવાયો છે. પોતાને સજાતીય તરીકે ઓળખાવનાર કે આવો સંબંધ બાંધનારાને ઓછામાં ઓછાં 10 વર્ષની જેલની સજાની જોગવાઈ રખાઈ છે.
નવા કાયદામાં લેસ્બિયન, ગે, બાઈસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વીયર –LGBTQ - તરીકેની ઓળખને જ ગેરકાયદે ઠેરવાઈ છે. સમલૈગિંક સંબંધો બાંધવાની પ્રવૃત્તિને ઉત્તેજન કે સાથ આપવા, સજાતીય સંબંધ બાંધવાના કાવતરાં પણ પ્રતિબંધિત કરાયા છે. સગીર બાળકો સાથે સજાતીય સંબંધો તેમજ સંબંધ બાંધનારને નો ચેપ હોય તેવી સ્થિતિમાં મોત અથવા , આવો સંબંધ બાંધનાર એચઆઇવીનો ચેપ ધરાવતો હોય તો આ ગુનો કરનારને નવા કાયદામાં મોતની સજા કે આજીવન કેદની પણ જોગવાઈ છે.
મુસેવેનીએ સજાતીયોને વિકૃત ગણાવ્યા
રૂઢિચૂસ્ત યુગાન્ડામાં LGBT વિરોધી બિલ પર મતદાનની તૈયારી થઈ રહી હતી ત્યારે પ્રમુખ યોવેરી મુસેવેનીએ સજાતીય લોકોને વિકૃત ગણાવી સમલૈંગિકતામાં તપાસની હાકલ કરી હતી. સાંસદોએ નવા કાયદા વિશે પોતાના વિચાર જણાવવા કહેતા મુસેવેનીએ લેજિસ્લેટર્સ સમક્ષ રાષ્ટ્રીય સંબોધનમાં સજાતીયોને વિકૃત ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હોમોસેક્સ્યુઅલ્સ સામાન્યતાથી વિપરીત છે. આ કુદરતી છે કે ઉછેર થકી છે તે પ્રશ્નોની તપાસ કરાવી જોઈએ. તેના વિશે તબીબી અભિપ્રાય મેળવવો જોઈએ. આ મુદ્દાની વ્યાપક ચર્ચા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે મુસેવેની લાંબા સમયથી એલજીબીટીક્યુ પ્રવૃત્તિઓના વિરોધી રહ્યા છે.
યુગાન્ડાની સંસ્કૃતિ સજાતીયતાની અસહિષ્ણુ છે. સંસ્થાનવાદ સમયના કાયદાઓએ પણ હોમોસેક્સ્યુઆલિટીને ક્રિમિનલ ઠરાવેલી છે. જોકે, 1962માં બ્રિટનથી આઝાદી મેળવ્યા પછી પરસ્પર સંમતિથી સજાતીય સંબંધોમાટે કોઈને સજા કરાઈ નથી. યુગાન્ડાના લોમેકર્સે 2014માં સજાતીય સેક્સ માણતા પકડાયેલા લોકોને આજીવન કેજની સજા આપતો ખરડો પસાર કર્યો હતો જેને પ્રમુખે પણ મંજૂરી આપી હતી. જોકે, ટેક્નિકલ કારણોસર કોર્ટે કાયદાને ફગાવી દીધો હતો.
યુએન અને એમ્નેસ્ટી દ્વારા કાયદાનો વિરોધ
યુનાઈટેડ નેશન્સ અને એમનેસ્ટી ઈન્ટરનેશનલે યુગાન્ડાના પ્રમુખ મુસેવેનીને પાર્લામેન્ટમાં પસાર કરાયેલા સજાતીયતાવિરોધી કાયદાને ફગાવી દેવા અનુરોધ કર્યો છે. યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોકર તુર્કે વિવાદી કાયદાને મંજૂરી નહિ આપવા પ્રમુખને હાકલ કરી હતી. તેમણે આ ભેદભાવપૂર્ણ કાયદો યુગાન્ડાના સજાતીયોને અપરાધી ઠરાવી તેમના માનવાધિકારોના ઉલ્લંઘનને છૂટો દોર આપશે તેમ જણાવ્યું હતું. એમનેસ્ટી ઈન્ટરનેશનલના ઈસ્ટ અને સધર્ન આફ્રિકાના ડાયરેક્ટર ટિગેરે ચાગુટાહે કહ્યું હતું કે આ અસ્પષ્ટ કાયદો તો સજાતીયતાનો પ્રચાર કરનારાને પણ ગુનેગાર ઠરાવશે. દરમિયાન પ્રમુખ મુસેવેનીની પાર્ટી નેશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટના ચૂંટાયેલા સભ્ય ફોક્સ ઓડોઈ-ઓવેલોવોએ પણ કાયદાની ભાષા સામે વિરોધ નોંધાવ્યો હતો.