કમ્પાલાઃ યુગાન્ડાની બંધારણીય કોર્ટે સમલૈંગિકતાવિરોધી કાયદો રદ કરવાની અરજી બુધવાર ત્રીજી એપ્રિલ, 2024એ ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે કાયદાની કેટલીક જોગવાઈઓ આરોગ્યના અધિકારનો ભંગ કરે છે તેમજ આરોગ્યના અધિકાર, પ્રાઈવસી અને ધાર્મિક સ્વાતંત્ર્ય સાથે સુસંગત નથી. આમ છતાં, કોર્ટે કાયદાને અવરોધ્યો કે સસ્પેન્ડ કર્યો નથી. એન્ટિ-હોમોસેક્સ્યુઆલિટી એક્ટ 2023 સંમતિ સાથેના સમલૈંગિક સંબંધો બદલ આજીવન કેદ સુધીની પેનલ્ટીઝ લાદે છે અને કેટલાક કિસ્સામાં મોતની સજા પણ ફરમાવે છે. યુગાન્ડાનો આ કાયદો વિશ્વમાં સૌથી કઠોર કાયદાઓમાં એક છે.
યુગાન્ડાના ડેપ્યુટી ચીફ જસ્ટિસ અને કોર્ટના વડા જસ્ટિસ રિચાર્ડ બ્યુટીરાએ સીમાચિહ્ન ચુકાદામાં જણાવ્યું હતું કે,‘અમે એન્ટિ-હોમોસેક્સ્યુઆલિટી એક્ટ 2023 નાબૂદ કરવા નકારીએ છીએ તેમજ તેના અમલ સામે કાયમી મનાઈ હુકમ પણ આપીશું નહિ.’ યુગાન્ડાના ટેલિવિઝન સ્ટેશન NTV અનુસાર પાંચ સભ્યોની કોર્ટે સમલૈંગિકતાવિરોધી પિટિશનને ફગાવી દેવા સર્વાનુમતે નિર્ણય જાહેર કર્યો હતો. આ કાયદાને દેશમાં ભારે લોકપ્રિય સમર્થન મળી રહ્યું છે. બંધારણીય કોર્ટના જજીસે કહ્યું હતું કે કાયદો પાર્લામેન્ટે કાયદેસર પસાર કર્યો છે અને તે બંધારણનો ભંગ કરતો નથી. કોર્ટે ચુકાદામાં એમ પણ જણાવ્યું હતું કે દવાઓ મેળવવામાં સમલિંગી કોમ્યુનિટીના સભ્યો સાથે ભેદભાવ થવો ન જોઈએ.
કમ્પાલામાં બંધારણીય કોર્ટે ડિસેમ્બરમાં સુનાવણીનો આરંભ કર્યો હતો. કમ્પાલાની માકેરેરે યુનિવર્સિટીના કાયદાશાસ્ત્રના બે પ્રોફેસર, શાસક પક્ષના બે વિધાયક અને માનવાધિકાર કર્મશીલોએ કોર્ટ સમક્ષ પિટિશન કરી હતી. અરજદારોના વકીલોએ આ ચુકાદા મુદ્દે સુપ્રીમ કોર્ટનો આશ્રય લેવાનું જણાવી સર્વોચ્ચ કોર્ટ કાયદાને ઉલટાવશે તેવી આશા વ્યક્ત કરી હતી. યુગાન્ડાસ્થિત હ્યુમન રાઈટ્સ અવેરનેસ એન્ડ પ્રમોશન ફોરમ, એડવોકસી જૂથ કલર્ડ વોઈસ ટ્રુથ ટુ LGBTQ સહિતના જૂથોએ ચુકાદા બાબતે નિરાશા વ્યક્ત કરી હતી. બંધારણીય કોર્ટના ચુકાદા મુદ્દે યુગાન્ડામાં મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા છે. આ કાયદાને ઈસ્ટ આફ્રિકન દેશમાં ઘણાં લોકોનું સમર્થન છે જ્યારે ઘણા લોકો આ સમલૈંગિક વ્યવહાર વિદેશથી આયાત કરાયેલી વર્તણૂક ગણાવે છે. ઉલ્લેખનીય છે કે આફ્રિકાના 54 દેશમાંથી 30 કરતાં વધુ દેશોએ હોમોસેક્સ્યુઆલિટીને ક્રિમિનલ અપરાધ જાહેર કરેલો છે.