કમ્પાલાઃ ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો (DRC)ની સરહદ નજીક યુગાન્ડાના કેસેસી જિલ્લાની શાળા પર શુક્રવાર 16 જૂનની રાત્રે ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન એલાઈડ ડેમોક્રેટિક ફોર્સીઝ (ADF) જૂથના બળવાખોરોએ કરેલા સૌથી ભયાનક આતંકી હુમલામાં 38 વિદ્યાર્થી સહિત 41નાં મોત થયા હતા. બળવાખોરોએ 6 વિદ્યાર્થીનું અપહરણ કર્યું છે. આ હુમલાની ઘટનાથી યુગાન્ડામાં હાહાકાર ફેલાયો છે.
પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે કોંગો સરહદથી 1.2 માઈલના અંતરે આવેલા નગર મેપોન્ડવેની ખાનગી માલિકીની કો-એજ્યુકેશનલ લુબીરીહા સેકન્ડરી સ્કૂલ ઉપર હુમલો કરાયો હતો. આ હુમલામાં 38 વિદ્યાર્થી, 1 ગાર્ડ અને બે સ્થાનિક લોકોના મોત નીપજ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી 8ની હાલત ગંભીર છે. આતંકીઓએ એક બોર્ડીંગ હોસ્ટેલને આગ લગાવી હતી અને શાળાનો ફૂડ સ્ટોર પણ લૂંટ્યો હતો. છોકરીઓ સહિત વિદ્યાર્થીઓને મેશેટ અને છૂરાથી રહેંસી નખાયા હતા. કેટલાક મૃતદેહ બળવાથી ઓળખાય તેવાં પણ રહ્યા નથી. ઈસ્લામિક સ્ટેટ આતંકી સંગઠન સાથે જોડાણ ધરાવતા યુગાન્ડન બળવાખોરો યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીના શાસનનો વિરોધ કરી રહ્યા છે અને ઈસ્ટ કોંગોના અશાંત સરહદે વિસ્તારોમાં વર્ષોથી હિંસક હુમલા કરતા રહ્યા છે.
સરકાર અને આર્મીના પ્રવક્તાએ કહ્યું હતું કે, 6 વિદ્યાર્થીનું અપહરણ કરાયું છે જેમને છોડાવવા માટે યુગાન્ડાના સૈનિકોએ કોંગોની સરહદમાં ઘૂસીને તેમનો પીછો કર્યો છે. આતંકીઓને સૌપહેલાં યુગાન્ડા અને રવાન્ડાની સરહદ નજીકના વીરુન્ગા-નેશનલ પાર્કમાં ટ્રેક કરાયા હતા. શાળાની બહાર પોલીસ અને સશસ્ત્ર સૈનિકોએ કડક બંદોબસ્ત કરી લીધો હતો. કમ્પાલામાં 2010માં સોમાલિયાના અલ-શાબાબ ગ્રૂપે કરેલા ટ્વિન બોમ્બિંગ હુમલામાં 76 લોકોના મોત થયા પછી શાળા પરનો હુમલો સૌથી વિનાશક હુમલો છે. જૂન 1998માં DRCની સરહદ નજીક કિચ્વામ્બા ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ પર ADF હુમલામાં 80 વિદ્યાર્થીને ડોર્મેટરીઝમાં જીવતા જલાવી દેવાયા હતા અને 100થી વધુ વિદ્યાર્થીનાં અપહરણ કરાયા હતા.