કમ્પાલાઃ યુગાન્ડામાં સરકારવિરોધી વિપક્ષી દેખાવો અને વિરોધ અગાઉ લશ્કરી દળો અને પોલીસે સાવચેતીના પગલા તરીકે દેશના મુખ્ય વિરોધ પક્ષ નેશનલ યુનિટી પ્લેટફોર્મ (NUP)ના વડા મથકને સોમવાર 22 જુલાઈએ સીલ કરી દીધું હતું. દેખાવો પર પ્રતિબંધ હોવાં છતાં, યુવાવર્ગ દ્વારા ભ્રષ્ટાચાર અને અધિકારોના ઉલ્લંઘન સબબે મંગળવાર 23 જુલાઈએ પાર્લામેન્ટ સુધી સરઘસ સાથે દેખાવોનું આયોજન કરાયું હતું. NUPએ વિપક્ષના સંખ્યાબંધ નેતાઓની ધરપકડ કરાયાનો દાવો કર્યો હતો.
બોબી વાઈનના હુલામણા નામે જાણીતા અને પોપ સ્ટારમાંથી રાજકારણી બનેલા NUPના 42 વર્ષીય વડા રોબર્ટ ક્યાગુલાન્યીએ સોશિલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે સલામતી દળોએ કમ્પાલામાં NUPના હેડક્વાર્ટર્સને ઘેરી લીધું છે અને કોઈને અંદર જવા કે બહાર આવવા દેવાતા નથી. તેમણે આર્મી ટ્રક્સ અને લશ્કરી સૈનિકોની તસવીરો પર પોસ્ટ કરી હતી. બોબી વાઈન 1986થી સત્તા પર રહેલા 79 વર્ષીય પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીના સૌથી મોટા હરીફ તરીકે બહાર આવ્યા છે.