કમ્પાલાઃ સજાતીયતાવિરોધી કાયદાની યુગાન્ડા પર ગંભીર અસર પડી છે. વર્લ્ડ બેન્કે આ કાયદા સંદર્ભે યુગાન્ડાને નવી કોઈ લોન્સ આપવામાં નહિ આવે તેમ જણાવ્યું છે. આ કાયદો પસાર કરાયા પછી વિશ્વ બેન્કે યુગાન્ડામાં પોતાની ટીમ મોકલી હતી અને દેશના પ્રોજેક્ટ્સ બેન્કના પર્યાવરણીય અને સામાજિક સિદ્ધાંતોના માપદંડને અનુરૂપ રહે તે જરૂરી હોવાનો નિર્ણય કર્યો હતો. વર્લ્ડ બેન્ક દ્વારા ભંડોળ અટકાવી દેવાના પગલાંની ટીકા કરતા યુગાન્ડાના પ્રમુખ મુસેવેનીએ જણાવ્યું હતું કે દેશ કરજ લેવાનું ઘટાડી દેશે પરંતુ, વિદેશી સંસ્થાઓના દબાણને વશ નહિ થાય. તેમણે નાણા ઉછીના લેવાના વૈકલ્પિક સ્રોતો શોધવાની ખાતરી ઉચ્ચારી હતી.
પ્રમુખ મુસેવેનીએ જણાવ્યું હતું કે,‘વિશ્વ બેન્ક અને અન્યો નાણાના ઉપયોગ થકી અમારી આસ્થા, સંસ્કૃતિ, સિદ્ધાંતો અને સાર્વભૌમત્વને છોડી દેવાનું દબાણ કરે તે કમનસીબી છે. તેઓ તમામ આફ્રિકનોને ઓછાં આંકે છે.’ તેમણે કહ્યું હતું કે 202થી શરૂ થનારા ઓઈલ ઉત્પાદનથી વધારાની આવક મળી જ રહેવાની છે. યુગાન્ડા માટે સૌથી મોટી ધીરાણકાર સંસ્થા વિશ્વ બેન્કે જણાવ્યું છે કે વધારાના પગલાંની અસર જોવા ન મળે ત્યાં સુધી યુગાન્ડાને નવા જાહેર ભંડોળ માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સમક્ષ રજૂઆત કરાશે નહિ.
મે મહિનામાં પસાર સજાતીયતાવિરોધી કાયદા હેઠળ કેટલાક સજાતીય કૃત્યો બદલ મૃત્યુદડની સજા છે. ઘરઆંગણે કાયદાને વ્યાપક આવકાર મળ્યો છે અને વિશ્વ બેન્ક કે અન્ય સંસ્થાઓ જેવા પાર્ટનર્સ આ કાયદા સદર્ભે ભંડોળ પાછાં ખેચી લે તેવી ચિંતા બાબતે યુગાન્ડાના સત્તાવાળાઓને જરા પણ ફિકર નથી. ઉલ્લેખનીય છે કે એક્ટિવિસ્ટ્સ અને કેટલાક વિદ્વાનોએ આ કાયદાને LGBTQ+ અને અન્યોના માનવ અધિકારો વિરુદ્ધ ગણાવી કોર્ટમાં પડકાર્યો છે પરંતુ, તેની સુનાવણી ક્યારે હાથ ધરાશે તે બાબતે અનિશ્ચિતતા પ્રવર્તે છે. આફ્રિકાના 54દેશમાંથી 30થી વધુ દેશોમાં સજાતીયતાને અપરાધ ગણાવાય છે.