કમ્પાલાઃ પાસપોર્ટ માટે અરજી કર્યા પછી તૈયાર પાસપોર્ટ લઈ નહિ જનારા લોકોને વેળાસર પાસપોર્ટ લઈ જવા તેમજ તેમના ટ્રાવેલ દસ્તાવેજોના સ્ટેટસ જાણવા મિનિસ્ટ્રીની વેબસાઈટ તપાસવા યુગાન્ડાની ઈન્ટર્નલ એફેર્સ મિનિસ્ટ્રીએ લોકોને અનુરોધ કર્યો છે. મિનિસ્ટ્રી સાચવણીની અપૂરતી જગ્યાને આગળ ધરી 12.5 બિલિયન શિલિંગ્સના મૂલ્યના 60,000 તૈયાર અને લઈ નહિ જવાયેલા પાસપોર્ટ્સનો નાશ કરવા સજ્જ છે. પાસપોર્ટ્સનો નાશ કરવાની કાર્યવાહી આગામી મહિનાથી શરૂ કરવામાં આવનાર છે.
ઈન્ટર્નલ એફેર્સ મિનિસ્ટ્રીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી પાસપોર્ટ્સ સાચવી રખાયા છે પરંતુ, તેના માલિકો લેવા આવ્યા નથી. સ્ટોરેજની ક્ષમતા ઓછી રહેવાના કારણે અમે તેનો નાશ કરવા નિર્ણય લીધો છે. મોટા ભાગના પાસપોર્ટ્સ 6 કરતાં વધુ વર્ષ જૂના છે અને મજૂરોની નિકાસની પ્રવૃત્તિ તદ્દન ઘટી ગઈ છે. પાસપોર્ટધારકોનો સંપર્ક કરવાના ન્યૂઝ પેપર્સમાં જાહેરાત સહિતના પગલા નિષ્ફળ રહ્યા છે.
મોટા ભાગના પાસપોર્ટ્સ મિડલ ઈસ્ટમાં રોજગારી ઈચ્છતા લોકોના છે અને તેમને વર્ષોથી ક્યામબોગો કલેક્શન સેન્ટરમાં સાચવી રખાયા છે. વધુ 10,400 પાસપોર્ટ્સ મજૂરોની નિકાસ કરતી કંપનીઓ અને એમ્બેસીઝ દ્વારા પડતા મૂકાયેલા છે. નહિ લઈ જવાયેલા પાસપોર્ટ્સ ઓર્ડિનરી વર્ગના છે અને એક બૂકલેટ પાછળ 250,000 શિલિંગ્સનો ખર્ચ થાય છે.