કમ્પાલાઃ યુગાન્ડામાં રહેતા અમેરિકી દંપતી નિકોલસ સ્પેન્સર અને મેકેન્ઝી લેઈ મેથીઆસ સ્પેન્સર સામે 10 વર્ષીય HIV+ પાલ્ય બાળક પર બે વર્ષ સુધી કથિત અત્યાચારનો આરોપ લગાવાયો છે. આ ઉપરાંત, તેમના વિરુદ્ધ બાળકોની તસ્કરીનો નવો આરોપ પણ સામેલ કરાયો છે. જો આરોપ પૂરવાર થાય તો તેમને મોતની સજા પણ થઈ શકે છે. 32 વર્ષીય નિકોલસ અને મેકેન્ઝીને બાળ અત્યાચારના આરોપમાં આજીવન કેદની સજા થઈ શકે છે.
યુગાન્ડાની સ્ટેટ પ્રોસીક્યુટર ઓફિસના એટર્ની જોઆન કોકોએ જણાવ્યું હતું કે નિકોલસ અને મેકેન્ઝી સામે ચાઈલ્ડ ટ્રાફિકિંગનો નવો આરોપ દાખલ કરાયો છે જેના માટે ડેથ પેનલ્ટી લાગી શકે છે. 9 ડિસેમ્બરથી અટકાયતમાં લેવાયેલા સ્પેન્સર દંપતીએ અગાઉ ગંભીર અત્યાચારના આરોપને નકારી કાઢ્યો છે. હવે આ કેસ હાઈ કોર્ટ સમક્ષ જશે ત્યારે નવા આરોપ સામે જવાબ આપી શકશે. દંપતીને કમ્પાલાના સબર્બ લુઝિરાની હાઈ સિક્યુરિટી જેલમાં રખાયા છે અને તેઓ નાસી જવાનું જોખમ ધરાવતા હોવાના કારણે તેમને જામીન અપાયા નથી.
યુગાન્ડા પોલીસ ફોર્સના જણાવ્યા મુજબ આ દંપતીએ કથિતપણે 2020 અને 2022ના ગાળામાં પાલ્ય બાળક પર અત્યાચાર ગુજાર્યો હતો. આ બાબત પડોશીઓના ધ્યાને આવતા તેમણે કમ્પાલા મેટ્રોપોલીટન પોલીસને જાણ કરી હતી. બાળકને ખાલી રૂમમાં પૂરી રખાતો હતો અને તેને કપડાં, ખોરાક અને પાણી અપાતાં ન હતાં. ઘણી વખત ફ્રીઝનો ઠંડો ખોરાક અપાતો હતો. પોલીસે જણાવ્યા મુજબ બાળકનાં શરીર પર માર માર્યાની નિશાનીઓ હોવાનું મેડિકલ રિપોર્ટમાં જણાવાયું હતું.
મૂળ સાઉથ કેરોલીનાનું સ્પેન્સર દંપતી વોલન્ટીઅર્સ તરીકે 2017માં યુગાન્ડામાં આવ્યું હતું. તેમણે 2018માં જિન્જા સિટીની વેલકમ મિનિસ્ટ્રી સંસ્થામાંથી ત્રણ બાળકો ઉછેરવાં લીધા હતા જેમાંથી એક બાળક પર અત્યાચાર કર્યાનો આરોપ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ દંપતી પછી ખાનગી કંપનીમાં જોડાઈ કમ્પાલાની નજીકના અપર નાગુરુમાં વસ્યું હતું. તેમની વર્ક પરમિટ 2021માં સમાપ્ત થઈ હોવાથી તેઓ દેશમાં ગેરકાયદે રહેતા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.