લંડન
યુગાન્ડામાં ઇબોલાની મહામારી વ્યાપક બની રહી છે ત્યારે રાજધાની કમ્પાલામાં મેરેથોનનું આયોજન કરાતાં વ્યાપક ટીકા કરવામાં આવી રહી છે. જોકે યુગાન્ડાના આરોગ્ય મંત્રાલયે આ મેરેથોન ઇબોલાના પ્રસારનું માધ્યમ બની હોવાના આરોપોને નકારી કાઢ્યાં છે.
દેશના આરોગ્ય મંત્રાલય દ્વારા દેશભરના પ્રસુતિગૃહોમાં સુવિધાઓ વધારવા માટે ભંડોળ એકત્ર કરવા કમ્પાલામાં એક મેરેથોનનું આયોજન કરાયું હતું જેમાં 25000 દોડવીરો જોડાયા હતા. કમ્પાલામાં તાજેતરમાં જ ઇબોલાના 17 કેસ સામે આવ્યા હતા અને બે દર્દીના મોત થયાં હોવા છતાં મેરેથોનમાં હકડેઠઠ ભીડ ઉમટી પડી હતી. તેના કારણે ઇબોલા મહામારી વધુ બદતર બને તેવી શંકા સેવાઇ રહી છે. આ રેસમાં વડાપ્રધાન રોબિનાહ નબ્બાન્જા સહિત ટોચના સરકારી અધિકારીઓ જોડાયાં હતાં.
સરકાર દ્વારા કરાયેલા મેરેથોનના આયોજનની વ્યાપક ટીકા કરવામાં આવી રહી છે. નાગરિકો સવાલ કરી રહ્યાં છે કે શું યુગાન્ડામાં ખરેખર ઇબોલા મહામારી ફાટી નીકળી છે કે પછી સરકારી ભંડોળ ચાંઉ કરી જવાનો એકમાત્ર સ્ટંટ છે.. વિપક્ષના નેતા બોબી વાઇને જણાવ્યું હતું કે, સરકારે જાહેર આરોગ્ય સહિત તમામ બાબતોને મજાક બનાવી દીધી છે.
જોકે સરકાર કહે છે કે ભય પામવાની કોઇ જરૂર નથી. મેરેથોનમાં ભાગ લેનારા તમામનું સ્ક્રિનિંગ કરાયું હતું અને તેમાં ભાગ લેનારા પૈકીના કોઇમાં ઇબોલાના લક્ષણ જણાયા નહોતા.