લંડન
યુગાન્ડાના કાસ્સાન્ડા અને મુબેન્ડે જિલ્લાઓમાં ઇબોલા મહામારી હાહાકાર મચાવી રહી છે. ઓક્ટોબર મહિનાથી આ બંને જિલ્લામાં લોકડાઉન અમલી બનાવાયું છે. આ બંને જિલ્લામાં રાત્રી કરફ્યુ લદાયો છે. અંગત મુસાફરી પર પ્રતિબંધ છે અને જાહેર ઇમારતો બંધ કરી દેવાઇ છે. 3 વર્ષ બાદ ફરી એકવાર ઇબોલા મહામારીએ માથુ ઉંચકતાં યુગાન્ડામાં ભય વ્યાપી ગયો છે. યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં પણ ઇબોલાના કેસ સામે આવી રહ્યાં છે. યુગાન્ડાના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા અનુસાર ઇબોલાના 135થી વધુ કેસ સામે આવ્યાં છે જેમાંથી બાળકો સહિત 53 દર્દીનાં મોત થયાં હતાં. કેટલાક કિસ્સામાં મૃતકોના સગાંએ મેડિકલ સુપરવિઝન હેઠળ દફનાવી દીધેલાં મૃતદેહ પરંપરાગત વિધિઓ માટે ફરી બહાર કાઢતાં ઇબોલાના કેસોમાં વધારો થયો છે. કેટલાક કિસ્સામાં દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર માટે જવાના બદલે જાદુ ટોણાનો સહારો લેતાં હોવાથી મહામારી વધુ જોખમી બની રહી છે. યુગાન્ડાના પ્રમુખ મુસેવિનીએ પરંપરાગત સારવાર કરનારા લોકોને માંદા લોકોને સારવાર નહીં આપવા આદેશ જારી કર્યો છે.
સરકાર ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સુવિધા વિસ્તારવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે ગામોમાં જ તંબુઓમાં સારવારની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે જેથી દર્દીઓને ગામમાં જ સારવાર મળી રહે. લોકો આઇસોલેશનના ભયથી હોસ્પિટલોમાં ટેસ્ટ માટે જતાં ન હોવાથી ઇબોલાના ફેલાવાનું જોખમ વધી રહ્યું છે.
યુગાન્ડામાં શૈક્ષણિક સત્ર બે સપ્તાહ ટૂંકાવી દેવાયું
ઇબોલા પર નિયંત્રણ મેળવવા અને વિદ્યાર્થીઓનાં સંક્રમણને રોકવા માટે યુગાન્ડા સરકારે શૈક્ષણિક સત્ર બે સપ્તાહ ટૂંકાવીને શાળાઓમાં વેકેશન જાહેર કરી દીધું છે. શિક્ષણમંત્રી જેનેટ મુસેવિનીએ જણાવ્યું હતું કે, બાળકોમાં સંક્રમણ ફેલાતું અટકાવવા અમે સરકારને આ સત્ર બે સપ્તાહ પહેલાં જ સ્થગિત કરવાની ભલામણ કરી હતી જેનો સરકાર દ્વારા સ્વીકાર કરી લેવાયો છે. નર્સરી, પ્રાયમરી અને સેકન્ડરી શાળાઓ બંધ કરી દેવાઇ છે.