યુગાન્ડામાં ઈન્ટરનેટ પ્રચાર નેટવર્કનો બીબીસી દ્વારા પર્દાફાશ

Tuesday 13th February 2024 11:42 EST
 
 

કમ્પાલાઃ બીબીસી ઈન્વેસ્ટિગેશનમાં યુગાન્ડામાં નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના નેટવર્કનો પર્દાફાશ કરાયો છે. નકલી ઓળખો સાથે આ નેટવર્ક થકી સરકારતરફી સંદેશાઓ પ્રસારિત કરવા ઉપરાંત, ટીકાકારોને ધાકધમકીઓ અપાતી હતી. ઓક્ટોબર 2017માં ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હાજરી આપવા યુગાન્ડાની રાજધાની કમ્પાલા ગયેલી યુએસની સીનિયર કન્સલ્ટન્ટ ડો.જોમેચીઆ હોયલેએ પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની સાથે સેલ્ફી પોઝ લીધો હતો. અન્ય ફોટોગ્રાફર્સે પણ આ તસવીર ખેંચી લીધી હતી.

ચાર વર્ષ પછી આવી જ એક તસવીરનો ઉપયોગ સરકારી પ્રચાર અને સરકારના ટીકાકારોને લક્ષ્ય બનાવવા બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવામાં થયો હતો. બીબીસીએ ડો.જોમેચીઆ હોયલેનો સંપર્ક કર્યો ત્યારે જ તેમને આના વિશે જાણ થવા સાથે ભારે આશ્ચર્ય થયું હતું.

ઓક્ટોબર 2021માં તત્કાલીન ટ્વીટર પર ડો. હોયલેના ફોટો સાથે બનાવટી એકાઉન્ટ ખોલાયું હતું. શરૂઆતથી તેમાં યુગાન્ડાના રાજકારણ સિવાય કોઈ રસનો વિષય જોવા મળ્યો ન હતો. તેની પોસ્ટ્સમાં યુગાન્ડા સરકાર અને તેની નીતિઓની ભારે પ્રશંસા કરવામાં આવતી હતી. વિપક્ષના નેતાઓ, સમર્થકો, કર્મશીલો અને સરકારના ટીકાકારો માટે પ્રસંગોપાત ધમકીઓ સાથે કડક શબ્દપ્રયોગો કરાતા હતા. વિપક્ષી નેતા બોબી વાઈનને ટેરરિસ્ટ ગણાવાયા હતા.

બનાવટી ડો.જોમેચીઆના અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હતા જેમના પ્રોફાઈલ્સ એકસરખા હતા. બીબીસીના વિશ્લેષણ અનુસાર આશરે 200 નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ X અને ફેસબુક પર કાર્યરત છે. બીજી તરફ, સરકાર વતી પબ્લિક કોમ્યુનિકેશનનો હવાલો સંભાળતાં યુગાન્ડન મીડિયા સેન્ટરે કોઈ ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter