કમ્પાલાઃ યુગાન્ડાએ ઈબોલાના લગભગ ચાર મહિનાના રોગચાળાના સત્તાવાર અંતની જાહેરાત કરી છે. યુગાન્ડાએ ડિસેમ્બર 2022માં ઈબોલાના આખરી દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી હતી અને WHOની 42 દિવસની સમયમર્યાદા પરિપૂર્ણ કરી છે. યુગાન્ડાએ ઈબોલા રોગચાળાને અંકુશમાં લેવા ભારે સંઘર્ષ કર્યો હતો અને વાઈરલ સ્ટ્રેઈનનો સામનો કરે તેવી સિદ્ધ વેક્સિનના અભાવ છતાં, રોગચાળાને નિયંત્રણ હેઠળ લાવવામાં સફળતા મેળવી હતી.
યુગાન્ડાના હેલ્થ મિનિસ્ટર જેન રુથ આસેન્ગે રોગચાળાના અંત મુદ્દે કહ્યું હતું કે યુગાન્ડામાં ઈબોલા રોગચાળાના ફેલાવાને સફળપણે નિયંત્રણમાં લઈ લેવાયો છે. હેલ્થ મિનિસ્ટ્રીના આંકડા મુજબ સપ્ટેમ્બરથી ઈબોલા વાઈરસથી સંક્રમિત 143 લોકોમાંથી 55 લોકોના મોત થયા હતા. મૃતકોમાં છ લોકો હેલ્થ વર્કર હતા. રોગચાળાના કેન્દ્ર મુબેન્ડેથી કમ્પાલા સહિતના જિલ્લાઓમાં તે ફેલાયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું કે ઈબોલાના છેલ્લા કન્ફર્મ કેસના 42 દિવસ પછી કોઈ કેસની ગેરહાજરીમાં યુગાન્ડાને ઈબોલામુક્ત જાહેર કરી શકાશે.
ડિસેમ્બર 2022માં છેલ્લા જાણીતા ઈબોલા પેશન્ટને હોસ્પિટલમાંથી રજા અપાવાની સાથે પ્રમુખ યોવેરી મુસેવેનીએ ઈબોલા સંબંધિત હેરફેરના તમામ નિયંત્રણો ઉઠાવી લીધા હતા.