કમ્પાલાઃ યુગાન્ડામાં છેલ્લાં એક અઠવાડિયામાં ત્રણ બોંબ વિસ્ફોટ થતાં દેશના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ગયા શુક્રવારે કમ્પાલાથી ૬૦ કિ.મી. દૂર નાકાસેકે ડિસ્ટ્રિક્ટમાં થયેલા એક વિસ્ફોટમાં બે બાળકો માર્યા ગયા હતા, જેમાં એક ૧૪ વર્ષનો અને બીજો દિવ્યાંગ હતો. આ વિસ્ફોટ માટે કોઈએ જવાબદારી સ્વીકારી નથી. સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ તે બોંબ જેકફ્રૂટ જેવો લાગતો હતો અને બાળકો રમતા હતા ત્યારે તેમને અપાયો હતો.
ગયા સોમવારે બનેલા બનાવમાં એક બસમાં બોંબ વિસ્ફોટ થયો હતો તેમાં શકમંદ હુમલાખોર માર્યો ગયો હતો અને અન્ય કેટલાંક મુસાફરો ઘવાયા હતા.
અગાઉના બનાવમાં કમ્પાલાની એક રેસ્ટોરન્ટમાં ખીલી અને છરા સાથેનો બોંબ ફૂટ્યો હતો જેમાં એકનું મૃત્યુ થયું હતું અને ત્રણ લોકો ઘવાયા હતા. તેની જવાબદારી ISIL (ISIS) ગ્રૂપે લીધી હતી અને જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટમાં યુગાન્ડા સરકારના જાસૂસો અને સભ્યો ભેગાં થયા હતા ત્યારે તેના સભ્યોએ વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટના ષડયંત્રમાં અલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ (ADF)નો હાથ હોવાનું જણાયું હતું.