કમ્પાલાઃ યુગાન્ડામાં એડવોકેટ બનવા માટેનું શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં લેવાયેલી પરીક્ષામાં માત્ર ૯ ટકા વિદ્યાર્થીઓ પાસ થતા આ કોર્સ બંધ કરવા માટે અનુરોધ થઈ રહ્યા છે. આ પરીક્ષામાં ૧,૪૭૪માંથી માત્ર ૧૪૫ વિદ્યાર્થી પાસ થયા હતા જ્યારે ૧,૩૨૯ નપાસ થયા હતા.આ કોર્સ અને લીગલ પ્રેક્ટિસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા આપતા એકમાત્ર લો ડેવલપમેન્ટ સેન્ટર (LDC)ની ક્ષમતા વિશે ફરી પ્રશ્રો ઉભા થયા છે.
યુગાન્ડાના કાયદા પ્રમાણે એડવોકેટ તરીકે કામ કરવું હોય તો લોની ડિગ્રી મેળવનારે LDCમાં આઠ મહિનાની ટ્રેનિંગ લેવી પડે છે. આ ડિપ્લોમા મેળવ્યા વિના કોઈ વકીલ હાઈ કોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી શકતા નથી.
કાયદો શીખવવા માટે યુગાન્ડામાં ૧૦થી વધુ યુનિવર્સિટીને માન્યતા મળેલી છે અને દર વર્ષે સેંકડો ગ્રેજ્યુએટ થાય છે. પરંતુ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડજિપ્લોમાની પરીક્ષામાં ખૂબ ઓછા વિદ્યાર્થી સફળ થાય છે.