કમ્પાલાઃ જાહેર ભંડોળનો દુરુપયોગ, હોસ્પિટલોની નિષ્ફળતા, રાજધાની કમ્પાલાની શેરીઓમાં ગાબડાં તેમજ અન્ય બાબતો વિશે ઓનલાઈન વિરોધ અભિયાને સરકારી અધિકારીઓ અને અન્ય સત્તાવાળાની ઊંઘ ઉડાવી દીધી છે. યુગાન્ડામાં શેરીઓમાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ લાગ્યો છે અને હિંસક અને વ્યાપક ભ્રષ્ટાચારની કોઈ સીમા રહી નથી ત્યારે આ નવતર વિરોધમાં સહુ કોઈ જોડાઈ રહ્યા છે. શેરીવિરોધની સરખામણીએ ઓનલાઈન વિરોધમાં ચોક્કસ વ્યક્તિઓના નામોલ્લેખ તેમને ક્ષોભ અને શરમજનક હાલતમાં મૂકી શકે છે.
અગાઉના ટ્વીટર અને હાલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અભિયાન #UgandaParliamentExhibitionનામથી છેડાયું છે. લીક કરાયેલા સરકારી દસ્તાવેજો અને વિવાદાસ્પદ મુદ્દાઓ પર સંખ્યાબંધ પોસ્ટ કરાતી રહે છે. યુગાન્ડાની નેશનલ એસેમ્બલી સંબંધિત પોસ્ટ્સમાં જાહેર સ્રોતોના દુરુપયોગની વિગતો, સ્ટાફની ભરતીમાં સગાંવાદ તેમજ દેખરેખ સમિતિઓમાં સિવિલ સર્વન્ટ્સ અને ધારાસભ્યો-સાંસદોની અથડામણો જાહેર કરાઈ હતી. પાર્લામેન્ટના સ્પીકર અને શાસક પક્ષના વગદાર સભ્ય અનિતા આમોન્ગની વિદેશ પ્રવાસોમાં ભારે એલાવન્સ ખર્ચા મેળવવા સામે પણ ટીકાઓ થઈ હતી, ઘણી વખત પ્રવાસો ન કરાયાં છતાં, એલાવન્સ મેળવાયા હતા. દેશના બજેટમાં આવકની અછત છે ત્યારે આમોન્ગને જુલાઈથી જાન્યુઆરી સુધીમાં 894,500 ડોલરનું દૈનિક અને એન્ટરટેઈમેન્ટ એલાવન્સ ચૂકવાયું હતું. વર્લ્ડ બેન્કના આંકડા મુજબ યુગાન્ડામાં 2022માં વાર્ષિક માથાદીઠ આવક 850 ડોલર હતી.
યુગાન્ડામાં 1986થી સત્તા પર રહેલી પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની સરકાર સામે ભ્રષ્ટાચારી અને વગદાર અધિકારીઓને ક્રિમિનલ કાર્વાહીમાંથી છાવરવાના આક્ષેપો થતા રહ્યા છે.