કમ્પાલાઃ લાંબા સમયથી જંગલોને બચાવવા મથતા યુગાન્ડામાં પ્રેસિડેન્ટ મુસેવેનીએ તાજેતરમાં કોલસાના વેપારી ઉત્પાદન પર પ્રતિબંધનો આદેશ જારી કર્યો છે જેનાથી લલચામણા પરતુ, વિનાશક ઉદ્યોગને ફટકો પડ્યો છે. વસ્તીવધારાના કારણે ફ્યૂલના સસ્તા સ્રોત અને ખાસ કરીને કોલસાની માગ વધી છે.
યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના 2018ના રિપોર્ટ મુજબ આફ્રિકા અને એશિયામાં કોલસા અથવા ફાયરવૂડ પર આધાર સૌથી વધુ છે અને મુખ્યત્વે આફ્રિકન ગામડાં અને કેટલાક શહેરોમાં તો રાંધવા માટે માત્ર કોલસો વપરાય છે. 45 મિલિયનની વસ્તી ધરાવતા યુગાન્ડામાં આવકના તમામ સ્તરે પરિવારોમાં રસોઈ માટે કોલસાના ઉપયોગને પસંદ કરવામાં આવે છે. મધ્યમ વર્ગના પરિવારોમાં ગસ કૂકર્સ અન કોલસાના સ્ટવ વપરાય છે.
બીજી તરફ, જંગલોમાંથી વૃક્ષોને બાળી નાખી કોલસા મેળવવાની ગેરકાયદે કામગીરી મોટા પાયે કરવામાં આવે છે. ખાનગી જમીનોના માલિકો પણ કોલસો બનાવવા માટે વૃક્ષો કાપવાના અધિકારો આપતા રહે છે. દેશમાં કોલસાનો સપ્લાય મુખ્યત્વે ઉત્તર યુગાન્ડાથી આવે છે જ્યાં મોટા પાયે જગલોનું નિકંદન કઢાઈ રહ્યું છે ત્યારે સ્થાનિકોએ કોલસાના વેપારી ઉત્પાદન પર પ્રતિબંધની માગણી કરી હતી. જોકે, તમામ સ્તરે ભ્રષ્ટાચાર વકર્યો છે ત્યારે મુસેવેનીનો આદેશ કેટલો અસરકારક રહેશે તે પણ સવાલ છે.