કમ્પાલાઃ દેશની ઓથોરિટીઝ કોવિડ - ૧૯ સામે રક્ષણ માટે યુગાન્ડાના વધુ લોકોનું વેક્સિનેસન કરવાના અભિયાનને ઝડપી બનાવવાના હેતુથી વેક્સિનને કાયદેસર ફરજિયાત બનાવવા મુસદ્દો તૈયાર કરવા વિચારી રહી છે. સંસદીય આરોગ્ય સમિતિ દ્વારા આ સૂચિત ખરડાની ચકાસણી થશે અને તે ફેરફારને પાત્ર રહેશે. રોગચાળો ફાટી નીકળે ત્યારે વેક્સિનેશનની આવશ્યકતાઓનું પાલન કરવામાં નિષ્ફળ જનારને છ મહિનાની જેલની સજાનો વિધેયકમાં અનુરોધ કરાયો છે.
યુગાન્ડાના વેક્સિનેશનના પ્રયાસોનું નેતૃત્વ કરનારા પબ્લિક ઓફિસર આલ્ફ્રેડ ડ્રિવેલે દેશના જાહેર આરોગ્ય કાયદામાં સૂચિત ફેરફારો વિશે જણાવ્યું હતું કે વેક્સિનેશન ફજિયાત કરવું યોગ્ય છે.
તાજેતરના મહિનાઓમાં યુગાન્ડાના અધિકારીઓ દ્વારા કરાયેલા પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લોકો માટે વેક્સિનેશનની જરૂરી હોવાની બાબતનો ઓપરેટર્સે વિરોધ કર્યો હતો અને મહામારી સમયના નિયમોના કડક પાલન વિના લંબાવાયેલા લોકડાઉન પછી બાર ફરી શરૂ થયા છે.
યુગાન્ડાના હેલ્થ મિનિસ્ટરે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે ઉપયોગ કરાયા પહેલા સમય મર્યાદા પૂરી થઈ જવાથી વેક્સિનના ૪૦૦,૦૦૦ ડોઝનો નાશ કરાયો હતો.
૪૪ મિલિયન લોકોની વસતિમાંથી અડધા ભાગના લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય રાખ્યું હોય અને માત્ર ૧૨.૭ મિલિયન ડોઝ અપાયા હોય તેવા સંજોગોમાં સરકાર માટે આ નોંધપાત્ર નુક્સાન ગણાય.
પ્રમુખ યોવેરી મુસેવેનીએ ગયા વર્ષે ચેતવણી આપી હતી કે એક્સપાયર્ડ ડોઝની જવાબદારી સ્થાનિક અધિકારીઓની રહેશે. હવે ઓથોરિટીઝ વેક્સિનેશનને ફરજિયાત બનાવવાનો પ્રયાસ કરશે.