કમ્પાલાઃ કોવિડ – ૧૯ના સંક્રમણ અને મૃત્યુમાં ચિંતાજનક વધારો થતાં યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ ગઈ ૧૮મી જૂને દેશમાં નિયંત્રણો વધુ કડક બનાવ્યા હતા.દેશમાં જે દિવસે કોવિડ સંબંધિત ૪૨ મૃત્યુ અને સંક્રમણના નવા ૧,૦૦૦ કેસ નોંધાયા તે દિવસે પ્રમુખ મુસેવેનીએ સ્થાનિક ધોરણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (SOP) તરીકે જાણીતી પબ્લિક હેલ્થ ગાઈડલાઈન્સના લોકો દ્વારા થતાં ભંગને અટકાવવા પ્રતિબધ્ધતા દર્શાવી હતી.
તેમણે પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ વ્હીકલની અવરજવર બંધ કરાવી દીધી હતી. પોલીસ, ફાયરફાઈટર્સ અને મિલિટરી સહિત માત્ર સિક્યુરિટી, ઈમરજન્સી અને અન્ય જરૂરી સર્વિસ પ્રોવાઈડર્સને તેમાંથી મુક્તિ અપાઈ છે.
નવા પગલાંમાં એક અઠવાડિયા અગાઉ મૂકાયેલા નિયંત્રણોને વધુ કડક બનાવાયા હતા. તેમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પર પ્રતિબંધ, સ્કૂલો બંધ રાખવાનો અને જાહેર મેળાવડા પર મનાઈ ફરમાવાઈ હતી તે છતાં મૃત્યુઆંકમાં સતત વધારો થયો હતો.
૧૬ જૂને કમ્પાલામાં મુલાગો નેશનલ રેફરલ હોસ્પિટલમાં ટેક્નીકલ ખામીને લીધે કોવિડ – ૧૯ના દર્દીઓને અપાતો ઓક્સિજન પુરવઠો અટકી ગયો હતો. તેને લીધે કેટલાંક દર્દીઓનું મૃત્યુ થયું હતું. તેના બે દિવસ પછી દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ ૪૨ મૃત્યુ સાથે વાઈરસને લીધે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા ૪૦૦થી વધુ થઈ હતી.
૧૮ જૂને રાષ્ટ્રને સંબોધતા પ્રમુખ મુસેવેનીએ જણાવ્યું હતું,' હું આ લોકોનું મૃત્યુ થયું હોવાનું સાંભળું છું બધી જગ્યાએથી મને ટેલિફોન કોલ આવે છે. તેઓ મને આ લોકો મરી રહ્યા છે તેમ કહે છે..અમે તમને ગયા માર્ચથી મજાક ( SOPનું પાલન ન કરવાની ) બંધ કરવા કહ્યું હતું. આ મજાક બંધ થવી જ જોઈએ.'
દેશમાં રાત્રિ કરફ્યુ સહિત કડક નિયંત્રણો અમલમાં છે. તેમાં ફરજિયાત માસ્ક પહેરવું અને જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યું કે કેટલાંક લોકો કરફ્યુનું પાલન કરતા નથી. સમગ્ર દેશમાં સાંજે ૭થી સવારના ૫.૩૦ સુધી ફરીથી કરફ્યુ અમલમાં છે.