કમ્પાલાઃ યુગાન્ડા ટુરિઝમ બોર્ડ (UTB) એ મહાત્મા ગાંધી હેરિટેજ સેન્ટરના નિર્માણ માટેની ભારતની ઓફરનો હજુ સુધી ઉપયોગ કર્યો નથી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં યુગાન્ડાની મુલાકાત લીધી ત્યારે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે આ ડોનેશનની જાહેરાત કરાઈ હતી. તે સમયે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે જીંજામાં ગાંધી હેરિટેજ સેન્ટર બનશે તો તે ગાંધીજીને અંજલિ ગણાશે અને ગાંધીજીએ પોતાનું મિશન બદલ્યું તેમાં આફ્રિકાની ભૂમિકાની આપણને યાદ અપાવશે.
૧૯૪૮માં ગાંધીજીના નિધન પછી જીંજામાં નાઈલ નદીમાં મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન કરાયું હોવાનું મનાય છે. આ સેન્ટરમાં ફાઈવ સ્ટાર હોટલ, મહાત્મા ગાંધી રિક્રીએશન સેન્ટર, કોન્ફરન્સ સેન્ટર, મ્યુઝિયમ, આર્ટ્સ અને ક્રાફ્ટ્સ વિલેજ, કાર કેબલ ઈન્ફ્રાસ્ટ્રક્કચર અને ઓબ્ઝર્વેટરી બ્રીજ હશે. સરકારે આ ઓફરના વિભાજનની દરખાસ્ત કરી હતી અને ગાંધી કોન્ફરન્સ સેન્ટર એન્ટેબીમાં બનાવવા ઉપરાંત, જીંજામાં માત્ર ગાંધી હેરિટેજ સેન્ટર બનશે જે નાઈલના ઉદગમસ્થાન ખાતે પ્રવાસન આકર્ષણ તરીકે કાર્યરત થશે.
પરંતુ, તાજેતરમાં યુગાન્ડાના કેટલાંક સાંસદોએ જણાવ્યું કે બાંધકામની શરૂઆતમાં થઈ રહેલા વિલંબને લીધે ભારત સરકારે આ ઓફર પાછી ખેંચી લેવાની ચેતવણી આપી હતી. આ વિલંબ આંશિક રીતે સ્મારક કઈ જગ્યાએ સ્થાપવું તે વિશેના મતભેદને લીધે થયો છે.
યુગાન્ડા ટુરિઝમ બોર્ડની ચોથી બોર્ડ બેઠકના ઉદઘાટન પ્રસંગે ચેરમેન દાઉદી મીગેરેકોએ કેટલાંક પ્રોજેક્ટ્સના અમલીકરણમાં વધુ પડતા ધીમા હોવાનો UTBના મેનેજમેન્ટ પર આક્ષેપ કર્યો હતો. આ દરમિયાન, મીગેરેકોએ મોટાભાગના બિઝનેસીસ બંધ હતા તે સમયે પણ લોન પર વ્યાજ દર યથાવત રાખવા માટે કોમર્શિયલ બેંકો પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો.મીગેરેકોએ ઉમેર્યું કે તે સમયગાળા દરમિયાન વ્યાજ વસૂલવાનું બંધ રાખવું જોઈતું હતું. તાજેતરમાં બેંકોએ ગ્રાહકોની મિલકતો જપ્ત કરી છે તેને લીધે હોટલ ઉદ્યોગ પડી ભાંગશે.
યુગાન઼્ડા બેંકર્સ એસોસિએશનના હેડ ઓફ કોમ્યુનિકેશન અને કોર્પોરેટ અફેર્સના વડા પેટ્રિસીયા એમીટોએ મહામારીને લગતી કોઈ પણ સમસ્યા હોય તો દરેક કેસની સમીક્ષા થઈ શકે તે માટે બેંકોનો સંપર્ક સાધવા લોન લેનાર ગ્રાહકોને જણાવ્યું હતું.