લંડન
યુગાન્ડાના પ્રમુખ મુસેવિનીએ દેશની જનતાને વધુ સબસિડીઓ આપવાનો અને કરવેરા ઘટાડવાનો ઇનકાર કરી દીધો છે. પ્રમુખે પોતાના દેશજોગ સંદેશામાં સીધો સંકેત આપ્યો હતો કે તેઓ ચોક્કસ ચીજવસ્તુઓ પર સબસિડી આપવા કે કરવેરા ઘટાડવાની તરફેણ કરતા નથી. તેમણે જણાવ્યું હતું કે, જો તમે ચીજવસ્તુઓ પર સબસિડી આપો છો અને કરવેરા ઘટાડી દો છો તો લોકો ગેરમાર્ગે દોરાય છે કે સ્થિતિ સંપુર્ણ રીતે સામાન્ય છે. તેઓ કરકસર કે બચતો કરતાં નથી. તે ઉપરાંત સબસિડી અને કરવેરામાં ઘટાડાના કારણે દેશના વિદેશી હુંડિયામણમાં ઘટાડો થાય છે. તમે એક કૃત્રિમ વાતાવરણ ઊભુ કરો છો જેના કારણે લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવાનું જારી રાખે છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં સપ્લાય ચેઇન ખોરવાઇ જવાના કારણે પેટ્રોલિયમ ઉત્પાદનો સહિતની ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. આયાત કરાતા ખાદ્યાન્ન અને રો મટિરિયલની કિંમતો મોંઘવારી વધારી રહી છે. યુગાન્ડામાં ફુગાવાનો વાર્ષિક દર 6.8 ટકા પર પહોચી ગયો છે. આવશ્યક ચીજવસ્તુઓમાં ભાવવધારાના કારણે દેશમાં ફુગાવાનો દર સતત વધી રહ્યો છે.