કમ્પાલાઃ યુગાન્ડામાં તરૂણાવસ્થામાં જ સગર્ભા બની જવાનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે બાળમાતાઓને અભ્યાસમાં ભારે અવરોધ સહન કરવો પડે છે. સરકાર તરફથી આવી માતાઓને સારી સુવિધા અપાય છે પરંતુ, માતૃત્વ અને શિક્ષણની જવાબદારી એકસાથે ઉઠાવવાનું મુશ્કેલ બની રહે છે.
કમનસીબે, યુગાન્ડામાં ટીનએજ પ્રેગનન્સી 25 ટકા જેટલી ઊંચી છે જે સબ-સહારાન આફ્રિકામાં સૌથી વધુ છે. ગરીબ નિર્વાસિત કોમ્યુનિટીઓ રહે છે તેવા ઉત્તર યુગાન્ડામાં માતાપિતા દ્વારા દરકારનો અભાવ, અપૂરતાં શિક્ષણ અને અપૂરતી કાળજી સહિતના કારણોસર ટીનએજ પ્રેગનન્સીનું પ્રમાણ વધુ જણાય છે. આવી માતાઓને બાળકોની સંભાળ સાથે વર્ગમાં હાજર રહેવાની છૂટ અપાય છે જેથી તેમનો અભ્યાસ ચાલુ રહી શકે. તેમનો પરિવાર પણ બાળકોની સંભાળ લેતો રહે છે.
ખરેખર તો પિતાએ બાળકોની જવાબદારી ઉઠાવવાની રહે પરંતુ, કાયદાકીય અમલના અભાવે બાળમાતા અને તેના પરિવારે આ જવાબદારી ઉઠાવવી પડે છે. સરકારની નીતિ સગર્ભા છોકરીઓને શાળામાં હાજર રહેવાની પરવાનગી આપે છે પરંતુ, પેરન્ટ્સ દ્વારા વહેલા લગ્ન કરાવી દેવાતાં સહિત વિવિધ કારણે છોકરીઓમાં શાળાકીય અભ્યાસ છોડવાનું પ્રમાણ વધી રહ્યું છે. જે બાળમાતાઓ અભ્યાસ ચાલુ રાખે છે તેમને પણ બાળસંભાળ સહિત ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.