કમ્પાલાઃ યુગાન્ડામાં તરૂણાવસ્થામાં પ્રેગનન્સીની સમસ્યા વધી રહી છે ત્યારે પોલીસ સત્તાવાળાઓ યુવા બળાત્કારીઓને પકડવામાં નિષ્ફળ રહ્યા છે. ઉત્તર યુગાન્ડામાં નાની છોકરીઓનાં યૌનશોષણમાં આંચકાજનક વધારો જોવા મળ્યો છે. બીબીસી આફ્રિકા આઈના રિપોર્ટ મુજબ મહામારીના પગલે 10થી 14 વર્ષની બાળાઓનાં પ્રેગનન્ટ થવાની ઘટનાઓમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે.
યુગાન્ડાની હેલ્થ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ અનુસાર દેશમાં કોવિડ-19 સંબંધિત પ્રથમ લોકડાઉન (માર્ચ-જૂન 2020)ના ગાળામાં 10થી 14 વર્ષની બાળાઓની પ્રેગનન્સી 366 ટકા વધી હતી. યુગાન્ડામાં 18 વર્ષથી ઓછી વયની બાળા સાથે જાતીય સંબંધ ગેરકાયદે ગણાય છે પરંતુ, ગુલુ ખાતે પ્રાદેશિક હોસ્પિટલમાં ગત નાણાકીય વર્ષમાં તમામ પ્રેગનન્સી સાથેના લગભગ 25 ટકા કેસમાં બાળાઓ 18થી ઓછી વયની હતી. આવી માતાઓમાં મોતનું પ્રમાણ પણ વધુ છે. ઉત્તર યુગાન્ડામાં બળવાખોર જૂથ લોર્ડ્સ રેઝિસ્ટન્સ આર્મી (LRA) દ્વારા અપહરણો સામાન્ય છે. એક અંદાજ મુજબ 40,000 બાળકોનાં અપહરણો કરાયા છે જેમાંથી મોટા ભાગનાને બળજબરીથી સૈનિક બનાવી દેવાય છે અથવા સેક્સ ગુલામ તરીકે કામ કરાવાય છે. આશરે 1.7 મિલિયન લોકો શરણાર્થી કેમ્પ્સમાં રહે છે. નોર્ધર્ન યુગાન્ડાના મિનિસ્ટર ઓફ સ્ટેટ ગ્રેસ ફ્રીડમ ક્વિયુક્વિનીના કહેવા મુજબ બધે ભ્રષ્યાચાર ચાલે છે અને ખુદ પોલીસ લાંચ લઈને ઘરમેળે પતાવી દેવાનો આગ્રહ રાખે છે.