લંડન
યુગાન્ડામાં ટૂંકસમયમાં ઇબોલાની રસી આપવાનો પ્રારંભ કરાશે. 20મી સપ્ટેમ્બરથી યુગાન્ડામાં ઇબોલાની મહામારી ફાટી નીકળી હતી અને રાજધાની કમ્પાલા પણ તેની ઝપેટમાં આવી ગઇ હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાના આફ્રિકા ખાતેના વડા ફિયોના બ્રાકાએ જણાવ્યું છે કે ઇબોલાની રસી ઝડપથી તૈયાર કરવામાં આવી રહી છે. છેલ્લા બે મહિનામાં રસી તૈયાર કરવાની પ્રક્રિયામાં ઘણી પ્રગતિ થઇ છે. ઉત્પાદકો વેક્સિનને ઝડપથી મોકલવા માટે રાત દિવસ કામ કરી રહ્યાં છે. અમને આશા છે કે ટૂંકસમયમાં ઇબોલાની રસી યુગાન્ડા પહોંચી જશે.
યુગાન્ડાના ઇમર્જન્સી ઓપરેશન્સના વડાએ જણાવ્યું હતું કે, અમે તાલીમબદ્ધ કર્મચારીઓની 200 ફિલ્ડ ટીમ તૈયાર કરી છે. અલ્ટ્રા કોલ્ડ ચેઇન ઇક્વિપમેન્ટ્સ પણ તૈયાર રખાયાં છે. એકવખત દેશમાં ઇબોલાની રસી પહોંચે કે તેને જનતા સુધી પહોંચાડવા માટેની તમામ તૈયારી અમે કરી લીધી છે.
ઓક્ટોબરના પ્રારંભે વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ જાહેરાત કરી હતી કે યુગાન્ડામાં મળી આવેલા ઇબોલાના સુદાન સ્ટ્રેઇન સામે લડવા વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી દેવાઇ છે. દેશના આરોગ્ય મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે યુગાન્ડા ઇબોલા સામેના જંગમાં વિજયી થશે.
દેશના ઇબોલાગ્રસ્ત 9 જિલ્લામાંથી ચારમાં છેલ્લા 3 સપ્તાહથી ઇબોલાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ કેસમાં ઘટાડો થવાની આશા છે.