કમ્પાલાઃ યુગાન્ડા અને ખાસ કરીને રાજધાની કમ્પાલામાં ત્યજી દેવાતાં નવજાત શિશુ અને નાના બાળકોની વધતી સંખ્યાથી દેશની પોલીસની ચિંતા વધી છે. કમ્પાલામાં દર મહિને આઠ વર્ષથી ઓછી વયના ઓછામાં ઓછાં 30 બાળકો ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવે છે. બાળકોને ત્યજી દેવાનો ગુનો સખાવતો પર આધાર રાખતા બાળસંભાળ ગૃહો પર ભારે બોજ બની રહ્યો છે.
યુગાન્ડાની પોલીસ અનુસાર ત્યજી દેવાયેલા બાળકોની માહિતી આપતા વધુ કોલ્સ મળતા રહે છે. મોટા ભાગના બાળકોને ડમ્પસાઈટ્સ અને માર્ગના છેડાઓ પર છોડી દેવાય છે. સ્થાનિક સત્તાવાળાઓ બાળત્યાગના અપરાધ માટે પિતૃત્વને નકારતા પિતાઓ, અનિચ્છનીય ગર્ભાવસ્થા તેમજ બાળકોના પોષણ માટે સંઘર્ષ કરી રહેલા પેરન્ટ્સને દોષિત ઠરાવે છે. પેરન્ટ્સને શોધવામાં નિષ્ફળતા પછી પોલીસ બાળકોને અનાથાશ્રમમાં મોકલી આપે છે. જોકે, મોટા ભાગના અનાથાશ્રમમાં એક સાથે 50થી વધુ બાળકોને રાખવાની જગ્યા નથી તેવી પરિસ્થિતિમાં ભરચક થઈ ગયેલા સંભાળગૃહોને ઘરવિહોણાં બાળકોને સાચવવાની પણ ફરજ પડાય છે.