કમ્પાલાઃ દત્તક બાળક પર અત્યાચાર અને શોષણ કરવાના આરોપ ધરાવનારા અમેરિકી દંપતી નિકોલસ અને મેકેન્ઝી સ્પેન્સરને યુગાન્ડાની કમ્પાલા હાઈ કોર્ટે 31 ઓક્ટોબર મંગળવારે 29,000 અમેરિકી ડોલરનો દંડ ફરમાવ્યો હતો. સ્પેન્સર દંપતીએ ડિસેમ્બર 2020થી ડિસેમ્બર 2022ના ગાળામાં 10 વર્ષીય બાળક સંબંધિત માનવ તસ્કરી અને અત્યાચારના ગુના નકારી કાઢ્યા હતા પરંતુ, બાળક સાથે ક્રુર અને અમાનવીય વર્તન, યુગાન્ડામાં ગેરકાયદે રોજગારી અને ગેરકાયદે રોકાણના ગુનાઓ કબૂલ કર્યા હતા.
ગત ડિસેમ્બરમાં ધરપકડ કરાયેલા અમેરિકી દંપતીએ હળવા ગુના કબૂલવાના પગલે પ્રોસીક્યુશને મૂળ આરોપો પાછા ખેંચી લીધા હતા અને કમ્પાલા હાઈ કોર્ટે 9.3 મિલિયન યુગાન્ડન શિલિંગ્સ (2,460 યુએસ ડોલર)ના દંડ ઉપરાંત, બાળકને 100 મિલિયન યુગાન્ડન શિલિંગ્સના વળતરનો હુકમ ફરમાવ્યો હતો. જજ એલિસ કોમુહાન્ગીએ કહ્યું હતું કે દંપતીએ આરોપોનો સ્વીકાર કર્યો છે અને કોર્ટનો સમય બરબાદ કર્યો ન હોવાથી તેમને દોષી ઠરાવી દંડ કર્યો છે.
યુગાન્ડામાં બાળકોને આંતરરાષ્ટ્રીય દત્તકવિધિ બાબતે ભારે હોબાળો થયા પછી યુએસ સત્તાવાળાએ 2020માં અનાથ ન હોય તેવા બાળકોને અમેરિકી પરિવારોને દત્તક આપનારી યુએસસ્થિત સંસ્થા સામે કામ ચલાવી તેના પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા.