કમ્પાલાઃ તાજેતરના અઠવાડિયાઓમાં યુગાન્ડામાં કોવિડ – ૧૯ કેસોમાં થયેલા વધારાને લીધે સર્જાયેલી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસમાં પ્રમુખ યોવેરી મુસેવેનીએ ૬ઠ્ઠીએ રાત્રે સ્કૂલો બંધ કરવાનો અને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બિનજરૂરી પ્રવાસને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. નવા નિયંત્રણો ૪૨ દિવસ સુધી અમલમાં રહેશે અને ત્યારપછી તેને લંબાવવા કે નહીં તેની સમીક્ષા કરાશે. મુસેવેનીએ જણાવ્યું કે પહેલી લહેર કરતાં આ લહેરમાં કોવિડ – ૧૯ના ગંભીર કેસો તેમજ મૃત્યુની સંખ્યા વધારે છે.
૭ જૂનને સોમવારથી ૪૨દિવસ માટે સ્કૂલો બંધ રહેશે અને લગ્ન તથા ફ્યુનરલમાં મર્યાદિત સંખ્યા સિવાય મોટી સંખ્યામાં લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. માત્ર ઈમરજન્સી, ટુરિસ્ટ અને માલસામાન લઈ જતાં વાહનો જ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકશે.
હાલ અમલમાં રહેલા રાત્રે ૯થી સવારના ૫.૩૦ સુધીના કરફ્યુને જુલાઈના મધ્ય સુધી લંબાવવામાં આવ્યો છે. શોપ્સ અને માર્કેટ સરકારી સ્વાસ્થ્ય નિયંત્રણોના પાલન સાથે ખૂલ્લા રહેશે.પરંતુ, બાર બંધ રહેશે. વીકલી ઓપન માર્કેટ ડે અને ચર્ચ સર્વિસ બંધ રહેશે. મસ્જિદ, ચર્ચ અથવા સ્ટેડિયામાં અથવા ખુલ્લા સ્થળોએ સામૂહિક પ્રાર્થના પર ૪૨ દિવસનો પ્રતિબંધ રહેશે.કેબિનેટ, ધારાસભા અને જ્યુડિશિયરી સીટીંગ સિવાય તમામ જાહેર અને સાંસ્કૃતિક મેળાવડા અથવા કોન્ફરન્સ ૪૨ દિવસ સુધી યોજી શકાશે નહીં. ૧૦જૂનથી અમલી બને તે રીતે ૪૨ દિવસ સુધી જિલ્લાઓ વચ્ચે તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ (બસ, ટેક્સી, બોડા બોડાસ) બંધ રહેશે. જોકે, ઘરે પરત જતા બાળકોને છૂટ અપાઈ છે.
કમ્પાલા મેટ્રોપોલિટન (કમ્પાલા, વાકિસો, મુકોનો) સિવાય તમામ આંતર – જિલ્લા મુસાફરી પર પ્રતિબંધ મૂકાયો છે.