કમ્પાલાઃ યુગાન્ડા સરકારે ૧ જુલાઈ, બુધવારે સાત મ્યુનિસિપલ વિસ્તારોને નવા શહેરો તરીકેનો દરજ્જો આપ્યો છે. આ સાથે દેશમાં રાજધાની કમ્પાલા સહિત આઠ શહેર થશે. ડીઆર કોંગો અને સાઉથ સુદાન સરહદો નજીક વેસ્ટ નાઈલ પ્રદેશમાં અરુઆ, સેન્ટ્રલ નોર્થમાં ગુલુ, પૂર્વમાં મ્બાલે અને જિન્જા, મિડવેસ્ટમાં મ્બારારા, પશ્ચિમમાં ફોર્ટ પોર્ટલ અને સેન્ટ્રલ રીજિયનમાં માસાકાને સિટીનો દરજ્જો મળ્યો છે.
બ્રિટિશ સંસ્થાન તરીકે ૫૮ વર્ષ રહ્યા પછી ઈસ્ટ આફ્રિકન દેશ યુગાન્ડાએ ૯ ઓક્ટોબર ૧૯૬૨ના દિવસે સ્વતંત્રતા હાંસલ કરી હતી. આ સમયે તેની એક માત્ર મ્યુનિસિપાલિટી કમ્પાલાને મુખ્ય શહેર અને દેશની રાજધાનીનો દરજ્જો મળ્યો હતો. જોકે, ૫૮ વર્ષ પછી યુગાન્ડાએ નવ મ્યુનિસિપાલિટી વિસ્તારોને શહેર તરીકે જાહેર કર્યા છે. આ સાત શહેર અરુઆ, ગુલુ, મ્બાલે, જિન્જા, મ્બારારા, ફોર્ટ પોર્ટલ અને માસાકા છે.
લોકલ ગવર્મેન્ટ મિનિસ્ટર રાફેલ માગ્યેઝીએ જણાવ્યું હતું કે દેશમાં ઊંચા શહેરીકરણ વિકાસદરના પ્રતિભાવ તરીકે પ્રાદેશિક શહેરોનું આયોજન કરાયું હતું. કુલ ૧૫ પ્રાદેશિક અને વ્યૂહાત્મક શહેરોના આયોજનમાંથી સાત શહેર ૧ જુલાઈએ કાર્યરત બન્યા છે. સરકારે વિકાસના એજન્ડાના મહત્ત્વપૂર્ણ ચાલકબળ તરીકે ૩૦ વર્ષનું રાષ્ટ્રીય વિઝન તૈયાર કર્યું છે. આ મુજબ ૨૦૨૧/૨૨માં હોઈમા, સોરોટી અને લિરા તેમજ સંસ્થાનવાદી સરકારમાં મુખ્ય સ્થળ રહેલા એન્ટેબીને ૨૦૨૨/૨૩માં શહેરનો દરજ્જો અપાશે. આ ઉપરાંત, ૨૦૨૩/૨૪માં નાકાસોન્ગોલા, મોરોટો, કાબાલે અને વાકિસો શહેરનો દરજ્જો મેળવશે.
મિનિસ્ટરે કમ્પાલામાં નવા શહેરોને કાર્યાન્વિત કરવાની ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. જોકે, કોરોના વાઈરસ મહામારીના કારણે નિયંત્રણો અમલી હોવાથી સાત નવા શહેરોની ઉજવણી કરવામાં આવી ન હતી. પોલીસે આતશબાજીના કાર્યક્રમોને પરવાનગી આપી ન હતી.