કમ્પાલાઃ યુગાન્ડામાં 2026નું જનરલ ઈલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે બજેટરી અને પ્લાનિંગ નાણાતંગીના કારણે ચૂંટણી યોજાવા અને તેની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. સરકાર માટે ચૂંટણીપ્રક્રિયા અને વિવિધ કામગીરીઓ સંદર્ભે 2025/2026ના બજેટમાળખામાં ભંડોળ અપૂરતું જણાય છે. ઈલેક્શન કમિશનને ચૂંટણીવ્યવસ્થા માટે 764.7 બિલિયન શિલિંગ્સની જરૂર રહે છે પરંતુ, તેને માત્ર 140 બિલિયન શિલિંગ્સની જ ફાળવણી થઈ શકે તેમ છે. આમ, ચૂંટણીભંડોળમાં 623.9 બિલિયન શિલિંગ્સની ઘટ પડે તેમ છે.
અપૂરતા ભંડોળના કારણે મતદાનના દિવસની કામગીરીઓ, મતપત્રોની મેળવણી તેમજ સાધનસામગ્રીના સપોર્ટ જેવા આવશ્યક કામકાજને ગંભીર અસર પડે તેમ છે. વિરોધપક્ષના નેતાઓએ પ્લાનિંગ નિષ્ફળતા સામે સવાલો ઉઠાવી ચૂંટણી યોજવાની તૈયારી મુદ્દે આક્ષેપો પણ કર્યા છે.
શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે આવશ્યક યુગાન્ડા પોલીસ ફોર્સ પણ અપૂરતાં ભંડોળનો સામનો કરી રહ્યું છે. ઈલેક્શનની તૈયારી, કર્મચારીઓની ગોઠવણી, સુરક્ષા વ્યવસ્થા સહિતની મહત્ત્વની કામગીરીઓ માટે 362 બિલિયન શિલિંગ્સની જરૂર હોવા સામે બજેટમાં કોઈ ફાળવણી કરાઈ નથી. આ ઉપરાંત, 50,000 પોલિંગ કોન્સ્ટેબલની ભરતી અને સાધનસજ્જ કરવા માટે વધારાના 18.7 બિલિયન શિલિંગ્સની માગણી કરાઈ હતી તે પણ મળી શકે તેમ નથી. આ સિવાય દર વર્ષે 1,000થી વધુ ઓફિસર્સ ફોર્સ છોડી જાય છે તેમના સ્થાને નવી ભરતી, તાલીમ માટે 70 બિલિયન શિલિંગ્સ અને 3500 ઓફિસર્સની જગ્યા ભરવા 24.5 બિલિયન શિલિંગ્સની પણ જરૂર છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણીની ક્ષમતા સામે પણ પ્રશ્નાર્થ થઈ રહ્યા છે.